મધ્ય પ્રદેશના અલિરાજપુરમાં પ્રખ્યાત 'નૂરજહાં' કેરીની ખેતી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં કેરીનો સારો પાક થયો છે અને કેરીનું કદ પણ ગયા વર્ષની સરખામણીમાં વધારે છે. ચાલુ વર્ષે નૂરજહા કેરીના એક નંગનો ભાવ ૫૦૦ થી ૧૦૦૦ રૃપિયા ચાલી રહ્યો છે.
ગયા વર્ષે તો માવઠાને કારણે આ કેરીનું ઉત્પાદન ખૂબ ઘટી ગયું હતુ પરંતુ આ વર્ષે નૂરજહા કેરીનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે. અત્યંત વજનદાર આ કેરી પાકતા પહેલા જ ખૂબ ઊંચા ભાવે બુક થઈ જાય છે.
મૂળ અફઘાનિસ્તાનની મનાતી કેરીની આ જાતના ગણ્યાગાંઠયા આંબા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠવાડા ક્ષેત્રમાં જોવા મળે છે. આ વિસ્તાર ગુજરાત નજીક આવેલો છે.
ઇન્દોરથી ૨૫૦ કિલોમીટર દૂર આવેલા કટ્ટીવાડાના કેરી ઉત્પાદક શિવરાજ સિંહ જાધવે રવિવારે જણાવ્યું હતું કે મારા બગીચામાં નૂરજહા કેરીના ત્રણ વૃક્ષો છે અને તેના પર કુલ ૨૫૦ ફળો લાગ્યા છે. આ તમામ કેરીઓનું બુકિંગ અગાઉથી જ થઇ ગયું છે. લોકો આ પ્રજાતિની એક કેરી માટે ૫૦૦ રૃપિયાથી લઇને ૧૦૦૦ રૃપિયા ચૂકવવા માટે તૈયાર છે.
નૂરજહાં કેરીનું એડવાન્સ બુકિંગ કરાવનારા મધ્યપ્રદેશના પાડોશી રાજ્ય ગુજરાતના સ્વાદરસિયાઓ પણ સામેલ છે. બાગાયતી નિષ્ણાતો કહે છે, આ વખતે મધ્યપ્રદેશમાં નૂરજહાં આંબાની એક કેરીનું વજન બેથી સાડાત્રણ કિલો સુધીનું છે.
1 ફુટ સુધી લાંબી હોઈ શકે છે નૂરજહાં કેરી
જાણકારી અનુસાર નૂરજહાં કેરી જૂનની શરૂઆતમાં આવે છે. જ્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ફૂલ આવવા લાગે છે. સ્થાનીક ખેડૂતોનો દાવો છે કે એક નૂરજહાં કેરી એક ફુટ સુધી લાંબી હોઈ શકે છે અને તેનો ગોઠલાનું વજન 150થી 200 ગ્રાન સુધી હોઈ શકે છે. કહેવાય છે કે, આ વખતે નૂરજહાંની એક કેરીનું વજન 2 કિલોથી 3.5 કિલોની આસપાસ હોઈ શકે છે.
કારોબાર પર પડી મહામારીની અસર
કેરીની ખેતી કરનાર નિષ્ણાંત ઇશાક મંસૂરીનું કહેવું છે કે, આ વખતે સારો પાક આવ્યો છે, પરંતુ કોરોના મહામારીએ કારોબારને પ્રભાવિત કર્યો છે. તેમણે કહ્યું કે, વર્ષ 2020માં પ્રતિકૂળ હવામાનને કારણે નૂરજહાંનો પાક મળ્યો ન હતો. જ્યારે વર્ષ 2019માં આ જાતની એક કેરીનું વજન લગભઘ 2.75 કિલોગ્રામ હતું અને ખરીદદારોએ તેના માટે 1200 રૂપિયા સુધી ચૂકવ્યા હતા.