Heatwave Deaths: દેશભરમાં ઘણા વિસ્તારોમાં ભીષણ ગરમીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હીટ સ્ટ્રોકના કારણે ઘણા લોકોના મોત થયાના રિપોર્ટ છે. ભીષણ ગરમીના કારણે ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આ અંગે દિલ્હીમાં બેઠક બોલાવી હતી. આ હાઇ લેવલ મીટિંગમાં જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી માંડવિયા દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં તમામ મોટા અધિકારીઓ હાજર રહ્યા હતા.






આ બેઠક અંગે જે માહિતી બહાર આવી છે તે મુજબ, નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વી.કે. પૉલ, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહેલ અને ભારતીય હવામાન વિભાગ (IMD)ના અધિકારીઓ અને અન્ય નિષ્ણાતો પણ હાજર રહ્યા હતા.


આરોગ્ય મંત્રીએ માહિતી આપી હતી


ઉચ્ચસ્તરીય બેઠક બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, "હાલમાં ઘણા રાજ્યોમાંથી હીટ વેવ અને હીટ સ્ટ્રોકના રિપોર્ટ્સ આવી રહ્યા છે. આ માટે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. રાજ્યોને સહકાર આપવા માટે ભારત સરકાર તરફથી IMD, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ જશે.


દેશમાં ગરમીના કારણે અનેક લોકોના મોત થયા છે


ભીષણ ગરમીના કારણે દેશભરમાં અનેક લોકોના મોત થયાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકો પેટ અને માથાના દુખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા સહિત દેશના ઘણા વિસ્તારોમાંથી 'લૂ'ના કારણે લોકોના મોતના સમાચાર છે. અહેવાલો અનુસાર, ગરમીના કારણે અત્યાર સુધીમાં લગભગ 100 લોકોના મોત થયા છે. જો કે આરોગ્ય વિભાગ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ મૃત્યુ હીટ સ્ટ્રોકના કારણે થયા નથી. બિહારમાં ગરમીના કારણે સૌથી વધુ લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બિહારમાં ગરમીના કારણે 30થી વધુ લોકોના મોત થયા છે.


હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓને પરિસ્થિતિ પર ખાસ નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે લોકોને જો જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. કાળઝાળ ગરમીના કારણે ઘણી જગ્યાએ શાળાઓમાં રજાઓ જાહેર કરાઇ છે.