India Weather Update: હવામાન વિભાગે દેશભરમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદ અને તોફાનની ગંભીર ચેતવણી આપી છે. દેશના ઘણા રાજ્યોમાં મુશળધાર વરસાદ, ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાવાની અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની તેમજ ધૂળની ડમરીઓ ઉડવાની (ધૂળની આંધી) આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ભારતના પહાડી અને મેદાની વિસ્તારોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળશે. જો તમે ક્યાંય બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો હવામાનની આ લેટેસ્ટ અપડેટ ચોક્કસ જાણી લેજો.
વાતાવરણમાં આ અચાનક પલટો કેમ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાં સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પરિભ્રમણ) સર્જાયું છે. આ ઉપરાંત, ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશથી લઈને મણિપુર સુધી એક ટ્રફ લાઈન સક્રિય થઈ છે. સાથે જ ઉત્તર હરિયાણા અને ઉત્તર બાંગ્લાદેશ પર પણ નીચલા સ્તરે ચક્રવાતી પરિભ્રમણની અસર છે, જેના કારણે આખા દેશનું હવામાન ડહોળાયું છે.
પહાડી અને ઉત્તર ભારતના રાજ્યોમાં એલર્ટ
આ વેધર સિસ્ટમની અસરને કારણે 2 થી 6 મે દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં, 3 થી 5 મે દરમિયાન હિમાચલ પ્રદેશમાં અને 2 થી 8 મે સુધી ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે. આ દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વીજળી પડવાની પણ શક્યતા છે. પંજાબમાં 3 થી 6 મે અને હરિયાણા તથા ચંદીગઢમાં 2 થી 6 મે વચ્ચે 30 થી 50 કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ (પૂર્વ અને પશ્ચિમ) માં પણ અલગ-અલગ દિવસે વરસાદ અને તેજ પવનની આગાહી છે.
કરા અને ધૂળના તોફાનની ગંભીર વોર્નિંગ
સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર પંજાબ, હરિયાણા અને ચંદીગઢના લોકોને છે, જ્યાં 4 અને 5 મેના રોજ 50 થી 70 કિમીની ભયંકર ઝડપે વાવાઝોડું આવી શકે છે. 4 મેના રોજ રાજસ્થાનમાં પણ આવી જ સ્થિતિ રહેશે અને ત્યાં ધૂળની આંધી (ડસ્ટ સ્ટ્રોમ) ની ચેતવણી આપવામાં આવી છે. કરા (હેલસ્ટોર્મ) પડવાની વાત કરીએ તો 3 મેના રોજ જમ્મુ-કાશ્મીરમાં, 4 મેના રોજ હિમાચલ પ્રદેશમાં, અને 4 તથા 5 મેના રોજ ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં કરા પડી શકે છે.
આ રાજ્યોમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદ ભુક્કા કાઢશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતમાં કેવો રહેશે માહોલ?
આગામી 5 દિવસ સુધી ઉત્તર-પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. ખાસ કરીને 2 થી 4 મે વચ્ચે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ ખાબકી શકે છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ આવતા 5 દિવસ સુધી પવન સાથે વરસાદની શક્યતા છે.
આગામી 7 દિવસ સુધી ઝારખંડ, બિહાર અને ઓડિશામાં વરસાદ અને વાવાઝોડાનો માહોલ રહેશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં પણ આવતા 5 દિવસ વરસાદ અને પવનની આગાહી છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો 2 થી 6 મે દરમિયાન તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ વરસાદ, વાવાઝોડું અને ભારે પવનની સાથે કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદની શક્યતા રહેલી છે.
આભમાંથી આફત ઉતરશે? અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને કરાની આગાહી, જાણો હવામાન રિપોર્ટ
