નવી દિલ્હી: હવામાન વિભાગે મધ્ય પ્રદેશ ગોવા સહિત દેશના 6 રાજ્યોમાં 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરી કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર, તેલંગણા અને ઉત્તરી કર્ણાટકના અંદરના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ રાજસ્થાનના દક્ષિણ પૂર્વી વિસ્તાર અને મધ્ય પ્રદેશના અનેક વિસ્તારમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતાના કારણે તંત્રને અલર્ટ કરી દેવામાં આવ્યું છે.
કેરળમાં ભારે પૂરની સ્થિતિના કારણે અત્યાર સુધીમાં 164 લોકોના મોત થયા છે. ભારે વરસાદ અને લેન્ડ સ્લાઈડના કારણે 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યા છે. ભારતીય નૌસેના ત્રિચુર, અલૂવા અને મવૂત્તુપુઝામાં ફસાયેલા લોકોને હવાઈ માર્ગે રેસ્ક્યુ કરી રહ્યા છે. રાજ્યમાં દોઢ લાખથી વધુ લોકો ઘર વિહોણા અને વિસ્થાપિત લોકો રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે. શુક્રવાર સવારથી ઘણા જિલ્લાઓમાં વરસાદ ઓછો થયો છે. હવે હવામાન વિભાગે બાકીના રાજ્યોમાં પણ ભારે વરસાદની ચેતાવણી જાહેર કરી છે.