નવી દિલ્હીઃ ચક્રવાતી વાવાઝોડુ અને બદલાયેલા હવામાનના કારણે દેશના કેટલાય ભાગોમા થોડાક દિવસોથી વરસાદ શરૂ થઇ ગયો છે. આ બધાની વચ્ચે હિમાચલ પ્રદેશના શિમલામાં વરસાદે છેલ્લા 12 વર્ષોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. શહેરમાં 24 કલાકમાં 75 મિલીમીટર વરસાદ પડ્યો છે. આ ભારે વરસાદમાં એક પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ પણ કોઇ જાનહાની નથી થઇ.


ઉલ્લેખનીય છે કે દેશના કેટલાક ભાગોમાં શનિવારે ધોધમાર વરસાદ પડ્યો, વળી કેટલાક રાજ્યોમાં તાપમાનનો પારો પણ ગગડ્યો હતો. હવામાન વિભાગે કહ્યું કે અનુકુળ પરિસ્થિતિઓના કારણે દક્ષિણ પશ્ચિમ મોનસૂન આગળ વધી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસો સુધી લૂ નહીં લાગવાની સંભાવના વ્યક્ત કરી છે.

ભારતીય હવામાન વિભાગે પોતાના દૈનિક રાષ્ટ્રીય બુલેટિનમાં કહ્યું કે, ગન્નવરમ અને વિજયવાડામાં દરિયાકાંઠા વિસ્તારમાં દેશનું સૌથી વધુ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધારેમાં વધારે તાપમાન 36.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ જે સામાન્યથી ત્રણ ડિગ્રી ઓછુ છે.

હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં દબાણ ઉભુ થવાના કારણે પૂર્વીય ભેજવાળી હવાઓના કારણે 12 જૂન અને 13 જૂને દિલ્હી-એનસીઆરમાં વરસાદની સંભાવના છે.