દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આજે મુંબઈ પહોંચી શકે છે. મુંબઈ અને કોંકણમાં આજથી 12 જૂનની વચ્ચે ભારે વરસાદની આગાહી કરાઈ છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના કેટલાક વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ વરસ્યો છે. સાયન, ચેંબુર, બાંદ્રા, અંધેરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેને પગલે લોકોને ગરમીથી રાહત મળી છે.


મુંબઈ ઉપરાંત ઓડિશા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ-પૂર્વ મધ્ય પ્રદેશમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ગિરિમથક સાપુતારા ખાતે ધુમ્મસભર્યું અને વાદળછાયુ વાતાવરણ છવાયું છે. તો ટેબલ પોઈંટ પર પણ વાદળછાયા વાતાવરણના કારણે અહલાદક દ્વશ્યો સર્જાયા છે. જો કે ઝીરો વિઝીબિલિટીથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.


રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી તેજ બની છે. 12થી 14 જૂન દરમિયાન નેઋત્યના ચોમાસાનું આગમન થઈ જશે. જ્યારે પ્રિમોન્સૂન એક્ટિવીટીને કારણે હજુ પાંચ દિવસ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.11 જૂનથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. જેને કારણે 14 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં અને 15થી 25 જૂન વચ્ચે ગુજરાતના અન્ય ભાગોમાં ચોમાસાનો પ્રારંભ થવાની શક્યતા છે.


બંગાળની ઉત્તર ખાડી અને તેની આસપાસ 11 જૂને લો પ્રેશર સર્જાશે.10 જૂનથી અરેબિયન સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં પવન વધુ તેજ ગતિએ ફૂંકાશે.અમદાવાદ, દાહોદ, અરવલ્લી, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસમાં મહારાષ્ટ્રમાં ચોમાસુ બેસી જશે તેવી સત્તાવાર જાહેરાત હવામાન વિભાગે કરી છે. મુંબઈ અને કોંકણમાં પણ ભારે વરસાદની શક્યતા છે.


અમદાવાદમાં આગામી ૩ દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની અથવા ધૂળની ડમરી સાથે પવન ફૂંકાવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.



નોંધનીય છે કે, આ વર્ષે સામાન્ય કરતા ચોમાસાનું આગમન થોડુ મોડુ થયું છે. ત્યારે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે મદદગાર સાબિત થઈ શકે છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ મોનસૂનને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર જુનમાં વરસાદ સામાન્ય રહેશે. આ દરમિયાન ખેડૂતો વાવેતર કરી શકે છે. આ વર્ષે જુનથી સપ્ટેમ્બર સુધી દેશમાં લગભગ 101 ટકા વરસાદ વરસી શકે છે.