નવી દિલ્હીઃ ભારતનાં દરેક ભાગમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ત્યારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારનાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી.  જેને લઈને આગામી 3 દિવસ સુધી ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચોમાસાનો અક્ષ મધ્ય ભારતથી ખસીને ઉત્તર ભારત તરફ આવી ગયો હોવાના કારણે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, 16, 17, 18 જુલાઈનાં રોજ પશ્ચિમ બંગાળનાં હિમાલય વિસ્તાર, સિક્કિમ, આસામ, મેઘાલયનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ દિવસોમાં જ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, અને બિહારનાં કેટલાક વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ પડી શકે છે. તેમજ  હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્લી, બિહાર, આસામ અને મેઘાલયનાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ પૂર્વાનુમાન અનુસાર હિમાચલ પ્રદેશમાં આ વર્ષે સામાન્ય કરતા 2 ગણો, ઉત્તરાખંડમાં દોઢ ગણો અને  હરિયાણા, ચંદીગઢ અને દિલ્લીમાં 2 ગણો વરસાદ વધુ પડવાની સંભાવના છે. ભારે વરસાદને પગલે હરિદ્વારમાં ગંગા નદી પર ખતરો તોળાઈ રહ્યો છે. વરસાદનાં કરાણે બદ્રીનાથ નેશનલ હાઈવે નં. 58 પણ બંધ કરી દેવાયો છે. અને ઘાટીમાં ભારે વરસાદનાં કારણે યાત્રાળુઓને સુરક્ષિત જગ્યાએ ખસાડવામાં આવ્યા છે.