દિલ્હી હાઈકોર્ટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ કરતી અરજીને અન્ય બેંચમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ સંજીવ નરુલાની ખંડપીઠે કહ્યું કે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી (અરજીકર્તા) એ સમજાવવામાં નિષ્ફળ ગયા કે શું તેમને આમાં કોઈ બંધારણીય અધિકાર છે ? તેમનું કહેવું છે કે આમાં જનહિતની બાબત સામેલ છે. ખંડપીઠે કહ્યું કે પીઆઈએલની સુનાવણી કરતી બેંચ તેના પર ધ્યાન આપશે.
મંગળવારે સુનાવણી દરમિયાન સુબ્રમણ્યમ સ્વામીએ પોતે પોતાની દલીલો રજૂ કરી હતી. તેમણે કહ્યું કે 2019માં તેમણે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો કે બેકઓપ્સ લિમિટેડ 2003માં બ્રિટનમાં રજીસ્ટર થઈ હતી. રાહુલ ગાંધી એ કંપનીના ડિરેક્ટરોમાંના એક હતા. કંપની દ્વારા 10 ઓક્ટોબર 2005 અને 31 ઓક્ટોબર 2006ના રોજ ફાઈલ કરવામાં આવેલા વાર્ષિક ઈન્કમ ટેક્સ રિટર્નમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીની નાગરિકતા બ્રિટનની છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે કંપની દ્વારા 17 ફેબ્રુઆરી 2009ના રોજ પોતાને વિસર્જન કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીમાં રાહુલ ગાંધીની નાગરિકતા બ્રિટનની હોવાનું જણાવવામાં આવ્યું છે. આમ કરવું એ બંધારણની કલમ 9 અને ભારતીય નાગરિકતા અધિનિયમનું ઉલ્લંઘન છે. કલમ 9 જણાવે છે કે જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ બીજા દેશની નાગરિકતા લે છે, તો તેઓ ભારતના નાગરિક રહી શકતા નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 29 એપ્રિલ, 2019 ના રોજ રાહુલ ગાંધીને પત્ર લખીને બે અઠવાડિયામાં આ અંગે સ્પષ્ટતા આપવા કહ્યું હતું, પરંતુ પાંચ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં કોઈ સ્પષ્ટતા નથી. આવી સ્થિતિમાં, કોર્ટે આ અંગે નિર્ણય લેવા માટે ગૃહ મંત્રાલયને માર્ગદર્શિકા જારી કરવી જોઈએ.
દિલ્હી હાઈકોર્ટ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની પીઆઈએલ તરીકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવા અંગેની અરજી પર સુનાવણી કરશે. તેમની અરજીમાં સ્વામીએ કોર્ટને વિનંતી કરી છે કે તેઓ ગૃહ મંત્રાલયને તેમની રજૂઆત પર નિર્ણય લેવાનો નિર્દેશ આપે. અગાઉ મંગળવારે, કોર્ટે સ્વામીને પૂછ્યું હતું કે આ મામલે તેમની પાસે કાયદેસર રીતે કયા અધિકારો છે.
સ્વામીએ અરજીમાં માગ કરી છે કે દિલ્હી હાઇકોર્ટ ગૃહ મંત્રાલય પાસેથી સ્ટેટ્સ રિપોર્ટ માંગે. રાહુલની નાગરિકતા પર આરટીઆઇ પાસેથી માગવામાં આવેલી જાણકારીના અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે કોઈપણ પ્રકારની માહિતી શેર કરવાનો ઇન્કાર કરી દીધો હતો.