નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસને કારણે ઘરની બહાર નીકળવા પર માસ્ક પહેરવું જરૂરી છે. પરંતુ લોકો બેદરકારી રાખી રહ્યા છે. એવામાં લોકોની માસ્કને લઈને બેદરકારીને રોકવા માટે અનેક રાજ્યોએ દંડની જોગવાઈ કરી છે. માસ્ક ન પહેરવા પર રાજ્યમાં દંડની રકમ રકમ અલગ છે. દિલ્હીમાં સૌથી વધારે 2000 રૂપિયા દંડ છે.

દિલ્હીમાં 2000 રૂપિયાનો દંડ

દિલ્હીમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખતા કેજરીવાલ સરકારે ગુરુવારે દંડની રકમ વધારીને 2000 રૂપિયા કરી હતી. આ પહેલા દંડની રકમ 500 હતી જે હવે ચાર ગણી વધી ગઈ છે.

ગુજરાતમાં 1000 રૂપિયા દંડ

ગુજરાતમાં માસ્ક ન પહેરવા પર સરકારે પહેલા 500 રૂપિયાનો દંડ લગાવ્યો હતો પરંતુ બાદમાં આ દંડની રકમ વધારીને 1000 રૂપિયા કરવામાં આવી હતી.

યૂપીમાં 500 રૂપિયા સુધીનો દંડ

ઉત્તર પ્રદેશમાં માસ્ક વગર બહાર ફરતા લોકોને 100થી 500 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવે છે. પ્રથમ અને બીજી વખત 100 રૂપિયા અને ત્રીજી વગત માસ્ક વગર બહાર ફરતા દેખાય તો 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.

મધ્યપ્રદેશમાં 100 રૂપિયા દંડ

મધ્યપ્રદેશમાં માસ્ક વગર બહાર ફરતા લોકો પર 100 રૂપિયાના દંડની જોગવાઈ છે. તેની સાથે જ દંડની રકમ સાથે ફ્રીમાં બે માસ્ક પણ આપવાનો નિયમ પણ છે. સામાજીક અંતર ન જાળવવા પર 500 રૂપિયાના દંડની જોગવાઈ છે.

બિહારમાં 50 રૂપિયા દંડ

બિહારમાં ફેસ માસ્ક ન પહેરવા પર અન્ય રાજ્યોની સરખામમીમાં દંડ ઓછો છે. અહીં માસ્ક ન પહેરવા પર 50 રૂપિયાના દંડની જોગવાઈ છે. દંડ વસુલ્યા બાદ લોકોને બે માસ્ક ફ્રીમાં આપવામાં આવે છે.

રાજસ્થાનમાં 500 રૂપિયા દંડ

રાજસ્થાનમાં માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાના દંડની જોગવાઈ છે. ઉપરાંત કોરોના ગાઇડલાઈનનો નિયમ તોડવા પર 200થી 2000 રૂપિયાના દંડની જોગવાઈ છે. એક વખત નિયમ તોડવા પર સામાન્ય દંડ અને બીજી વખત નિયમ તોડવા પર દંડની રકમમાં વધારો થઈ જાય છે.