નવી દિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના નિયમોના ઉલ્લંધન પર ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યું લોકો હિલ સ્ટેશન પર જઈ રહ્યા છે અને ત્યાં કોરોનાના નિયમો તોડી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું જો પ્રોટોકોલનું પાલન નહી કરવામાં આવે તો ફરી પ્રતિબંધો પર આપવામાં આવેલી છૂટ પરત કરવામાં આવી શકે છે.
તેમણે કહ્યું કે, કોરોનાની બીજી લહેર ધીમી પડી છે, પરંતુ હજુ લોકોએ કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવાનું છે. હિલ સ્ટેશનોની યાત્રા કરનારા લોકો બેદરકારી દાખવી રહ્યાં છે. તે કોવિડ એપ્રોપિએટ બિહેવિયર (કોરોનાનો યોગ્ય વ્યવહાર) નું પાલન કરી રહ્યાં નથી. જો પ્રોટોકોલનું પાલન કરવામાં નહીં આવે તો પ્રતિબંધોમાં આપેલી છૂટ ફરી રદ્દ થઈ શકે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હિલ સ્ટેશન પર લોકોની ભારે ભીડ પર ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે કેટલીક તસવીરો પણ બતાવી. જેમાં હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલી, દિલ્હીના લક્ષ્મી નગર અને સદર બજાર અને મુંબઈના દાદર માર્કેટની તસવીરો સામેલ છે. જેમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.
લવ અગ્રવાલે કહ્યું કે કેટલાક જિલ્લાઓમાં વધારે સંક્રમણ જોતા આપણે એમ માનીને ચાલવું પડશે કે કેટલાક વિસ્તારોમાં હજુ પણ બીજી લહેર છે. દેશમાં હાલ પણ કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધારે છે. ખાસ કરીને અરુણાચલ પ્રદેશન, રાજસ્થાન, મણિપુર, કેરલ, મેધાલય, ત્રિપુરા, સિક્કિમ, ઓરિસ્સા, નાગાલેન્ડમાં પોઝિટિવિટી રેટ વધારે છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત નવમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 34,703 નવા કેસ આવ્યા હતા. જે 1111 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. જ્યારે 51,864 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 553 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં સતત 53મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 5 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 75 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.