Sukhvinder Singh Sukhu Takes Oath: હિમાચલ પ્રદેશમાં, સુખવિંદર સિંહ સુખુએ રવિવારે રાજ્યના 15મા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. સુખવિંદર સિંહ સુખુ ઉપરાંત મુકેશ અગ્નિહોત્રીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહ રવિવારે બપોરે 1.30 વાગ્યે શિમલાના રિજ મેદાનમાં યોજાયો હતો.
શપથ ગ્રહણમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, નવા ચૂંટાયેલા ધારાસભ્ય, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર હુડ્ડા અને હિમાચલ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લા સહિત પાર્ટીના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. આ પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડે સુખવિંદર સિંહ સુખુના નામને મંજૂરી આપ્યા બાદ શનિવારે સાંજે શિમલામાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પણ સુખવિંદર સિંહ સુખુની સર્વાનુમતે ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી.
સુખવિંદર સિંહ સુખુનો જન્મ 26 માર્ચ 1964ના રોજ થયો હતો
NSUI થી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર 58 વર્ષીય સુખવિંદર સિંહ સુખુ લગભગ છ વર્ષ સુધી હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ હતા. સુખવિંદર સિંહ સુખુ આ હિમાચલ ચૂંટણીમાં કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ હતા અને હમીરપુર જિલ્લાની નાદૌન વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. સુખવિંદર સિંહ સુખુ ચોથી વખત ધારાસભ્ય બન્યા છે. હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના નાદૌન તહસીલના સેરા ગામના રહેવાસી સુખવિંદર સિંહ સુખુનો જન્મ 26 માર્ચ 1964ના રોજ થયો હતો.
સુખવિંદર સિંહ સુખુના પિતા હતા ડ્રાઈવર
સુખવિંદર સિંહ સુખુના પિતા રસિલ સિંહ હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન શિમલામાં ડ્રાઈવર હતા. સુખવિંદર સિંહની માતા સંસાર દેવી ગૃહિણી છે. સુખવિન્દર સિંહ સુખુએ પ્રારંભિક અભ્યાસથી લઈને એલએલબી સુધીનો અભ્યાસ શિમલામાં કર્યો છે. સુખવિંદર સિંહ સુખુ તેના ચાર ભાઈ-બહેનોમાં બીજા ક્રમે છે. તેમના મોટા ભાઈ રાજીવ સેનામાંથી નિવૃત્ત છે. તેની બે નાની બહેનો પરિણીત છે. સુખવિંદર સિંહ સુખુના લગ્ન 11 જૂન 1998ના રોજ કમલેશ ઠાકુર સાથે થયા હતા. તેમની બે દીકરીઓ છે, જે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.