Himachal Pradesh Rainfall: હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને કારણે ભારે ભૂસ્ખલન થયું હતું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, પૂર અને વાદળ ફાટવાની ઘટનાઓમાં 22 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગુમ થયા છે. જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ કાંગડા, ચંબા, બિલાસપુર, સિરમૌર અને મંડી જિલ્લામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, રાજ્યના IMDના ડેપ્યુટી ડાયરેક્ટર બુઇ લાલે કહ્યું, આગામી 5 દિવસમાં મધ્યમથી ભારે વરસાદ વરસશે. સમગ્ર રાજ્યમાં આગામી 12 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 24 ઓગસ્ટ સુધીના બાકીના દિવસો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના નિર્દેશક સુદેશ કુમાર મોખ્તાએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે સૌથી વધુ નુકસાન મંડી, કાંગડા અને ચંબા જિલ્લામાં થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મંડીમાં મનાલી-ચંદીગઢ નેશનલ હાઈવે અને શોગીમાં શિમલા-ચંદીગઢ હાઈવે સહિત 743 રસ્તાઓ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયા છે.
ડેપ્યુટી કમિશનર અરિંદમ ચૌધરીએ જણાવ્યું હતું કે એકલા મંડી જિલ્લામાં પૂર અને ભૂસ્ખલનને કારણે 13 લોકોના મોત થયા હતા અને પાંચ ગુમ થયા હતા. ગોહર ડેવલપમેન્ટ બ્લોકના કાશાન ગામમાં એનડીઆરએફ અને પોલીસ દ્વારા ચાર કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ એક પરિવારના આઠ સભ્યોના મૃતદેહ તેમના ઘરના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મોક્તાએ જણાવ્યું હતું કે શિમલાના થિયોગમાં વાહન પર પથ્થર પડતાં બે લોકોનાં મોત થયાં અને અન્ય બે લોકો ઘાયલ થયા. મોખ્તાએ જણાવ્યું કે ચંબાના ચૌવારીના બનેત ગામમાં સવારે 4.30 વાગ્યે ભૂસ્ખલનને પગલે એક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં.
દરમિયાન, હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં શનિવારે ચક્કી પુલ તૂટી પડતાં પઠાણકોટ અને જોગિંદરનગર વચ્ચેની રેલ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે રેલવે અધિકારીઓએ પુલને અસુરક્ષિત જાહેર કર્યો છે અને પંજાબના પઠાણકોટથી હિમાચલ પ્રદેશના જોગિંદરનગર સુધીના 'નેરોગેજ ટ્રેક' પર ટ્રેન સેવા સ્થગિત કરી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે વહીવટીતંત્ર અસરગ્રસ્ત જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશના પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયરે જણાવ્યું કે, મંડીમાં મનાલી-ચંદીગઢ હાઈવે અને શોગીમાં શિમલા-ચંદીગઢ હાઈવે સહિત 743 રસ્તાઓ પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.