Anurag Thakur Push a Bus: હિમાચલ પ્રદેશની 68 વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. હિમાચલની ચૂંટણી માટે દરરોજ ભાજપના નેતાઓ ચૂંટણી રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. દરમિયાન, મંગળવારે કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુરે બિલાસપુર જિલ્લાના ઘુમરવિન, ઝંડુતા અને સદર વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી રેલીઓને સંબોધી હતી. તે જ સમયે, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે બસમાં ધક્કો મારતા જોવા મળી રહ્યા છે.


ટ્રાફિક જોઈને અનુરાગ ઠાકુરે બસને ધક્કો માર્યોઃ


બીજેપી નેતાઓના જણાવ્યા અનુસાર, અનુરાગ ઠાકુર બિલાસપુરના પ્રવાસે હતા અને તે દરમિયાન બિલાસપુરમાં એક હાઈવે પર ખરાબ થયેલી બસ પડી હતી અને તેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ટ્રાફિક જામના કારણે કેન્દ્રીય મંત્રીનો કાફલો પણ ટ્રાફિકમાં અટવાઈ ગયો હતો, ટ્રાફિક જોઈને અનુરાગ ઠાકુર કારમાંથી નીચે ઉતરી ગયા હતા. કારમાંથી ઉતર્યા બાદ કેન્દ્રીય મંત્રીએ ખોટકાયેલી બસને ધક્કો માર્યો હતો.


આ દરમિયાન તેમની સાથે બીજેપીના ઘણા નેતાઓ પણ બસને ધક્કો મારવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, અનુરાગ ઠાકુરે પહેલાં બસ ડ્રાઈવર સાથે વાત કરી અને પછી પોતે જ લોકો સાથે બસને ધક્કો મારવા લાગ્યા હતા. 






બિલાસપુરની રેલીમાં શું કહ્યું?


હિમાચલ પ્રદેશમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો આગામી પાંચ વર્ષમાં રાજ્યના દરેક ગામને 'મેટલ રોડ'થી જોડવામાં આવશે અને તીર્થધામોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યમાં મંદિરો અને મંદિરોની નજીક પરિવહન અને માળખાકીય સુવિધાઓને સુધારવા માટે આગામી 10 વર્ષમાં 12,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવાના હેતુથી દરેક વિધાનસભા મતવિસ્તારમાં 'મોબાઈલ ક્લિનિક વાન'ની સંખ્યા બમણી કરવામાં આવશે.