શિમલાઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા મંડી સીટ પરથી અભિનેત્રી કંગના રાણાવતને ટિકિટ આપવામાં આવશે તેવી અટકળો થતી હતી પરંતુ તેના સ્થાને ભાજપે કારગિલ યુદ્ધના બ્રિગેડિયર ખુશાલ ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે. કંગનાનું પત્તું હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કાપી નાંખ્યું હોવાનું કહેવાય છે. જયરામ ઠાકુરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ભાજપના કાર્યકરને જ ટિકિટ અપાશે અને બહારથી કોઈને નહીં થોપાય. 


શિમલાથી ધર્માશાળા જતી વખતે ઘુમારવી વિશ્રામ ગૃહમાં થોડીવાર માટે રોકાયેલા મુખ્યમંત્રી જયરામ ઠાકુરને પેટા ચૂંટણીને લઈ સવાલ પૂછવામાં આવ્યો હતો. મંડી લોકસભા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે પ્રતિભા સિંહનું નામ લગભગ નક્કી હોવા પર અભિનેત્રી કંગનાને ચૂંટણીમાં  ઉતારવાના સવાલના જવાબમાં જયરામ ઠાકુરે રહ્યું, ચૂંટણી સમિતિની બેઠકમાં નામ નક્કી કરવામાં આવશે. તેમણે ભાજપના કાર્યકર્તાઓને જ ચૂંટણીમાં ટિકિટ આપવાનો દાવો કર્યો હતો.


લોકસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર


કારગિલ યુદ્ધના અનુભવી બ્રિગેડિયર ખુશાલ ઠાકુર (નિવૃત્ત) ને ભાજપ દ્વારા હિમાચલ પ્રદેશની મંડીથી ટિકિટ આપવામાં આવી છે. તે 18 ગ્રેનેડિયર્સના કમાન્ડિંગ ઓફિસર હતા, જે 1999 માં ટાઇગર હિલના સફળ કબજાનો ભાગ હતા. જ્યારે જ્ઞાનેશ્વર પાટીલને ખંડવામાંથી ટિકિટ આપવામાં આવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી મહેશ ગામિતને ઉમેદવાર બનાવ્યા છે.


વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર


વિધાનસભાની પેટાચૂંટણીમાં આંધ્રપ્રદેશની બાડવેલ (એસસી) પરથી પુન્થાલા સુરેશ, હરિયાણાની એલનાબાદતી ગોવિંદ કાંડા, હિમાચલ પ્રદેશની ફતેપુરથી બલદેવ ઠાકુર, આંકીથી રતન સિંહ પાલ અને ગુલાબ ટેકરીથી નીલમ સરાયકને ઉમેદવાર જાહેર કર્યા છે. કર્ણાટકની સિંદગીથી રમેશ મુસાનુર, હંગલથી શિવરાજ સજ્નાર, મધ્યપ્રદેશની પૃથ્વીપરથી શિશુપાલ યાદવ, રાજગાંવથી પ્રતિમા બાગરી, જોબાટથી સુલોચના રાવત અને રાજસ્થાનના બલરામનગરથી હિમ્મત સિંહ ઝાલા તથા ધારિયાવાડથી ખેત સિંહ મીણાને ટિકિટ આપી છે.