હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ જિલ્લાના કિલોંગમાં લોકોએ છેલ્લા 12 વર્ષમાં સૌથી ઠંડી રાતનો અનુભવ કર્યો હતો. અહીં તાપમાન માઈનસ 17.6 ડિગ્રી નોંધાયું હતું. કિલોંગમાં અગાઉ 31મી જાન્યુઆરી, 2008ના રોજ માઈનસ 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુરે જણાવ્યું હતું કે લાહૌલ સ્પિતિમાં એક ગર્ભવતી મહિલા સહિત ફસાયેલા 66 લોકોને એર લિફ્ટ કરી કુલુ ખાતે ખસેડાયા હતા. શિમલામાં હવામાન વિભાગે 13થી 16 જાન્યુઆરી સુધી ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપી છે. રાજ્યમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી નીચું રહ્યું હતું. કાશ્મીરના પહેલગામમાં તાપમાન માઈનસ 14.3 ડિગ્રી જ્યારે ગુલમર્ગમાં માઈનસ 13 ડિગ્રી નોંધાયું હતું. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી હતું. ઉત્તરાખંડના કેટલાક પર્વતીય વિસ્તારોમાં વરસાદ પડયો હતો.