શ્રીનગર: શ્રીનગરમાં હિઝબુલના ટોચના કમાન્ડર સૈફુલ્લાને ઠાર કરવામાં આવ્યો છે. આ એન્કાઉન્ટર રવિવારે બપોરના સમયે કરવામાં આવ્યું હતું. આ સમયે પોલીસે તેના એક સાથીની પણ ધરપકડ કરી હતી. ઘટના સ્થળેથી AK-47 રાઈફલ અને પિસ્તોલ મળી આવીછે. હિઝબુલના ટોચના કમાન્ડર સૈફુલ્લાના એન્કાઉન્ટર બાદ કાશ્મીર પોલીસે કહ્યું છે કે જે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે તે 95 ટકા હિઝબુલનો ચીફ કમાન્ડર હતો. અમને ગઈરાત્રે આતંકવાદીઓ અંગે માહિતી મળી હતી અને ત્યારબાદથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતું. આ એન્કાઉન્ટર સુરક્ષા દળો માટે મોટી સફળતા છે.


જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે જણાવ્યું હતું કે સૈફુલ્લા હિઝબુલ મુઝાહિદ્દીનનો નંબર વન કમાન્ડર હતો. એન્કાઉન્ટરમાં તેને મારવામાં આવ્યો છે. આ ખૂબ જ સફળ ઓપરેશન રહ્યું છે.

કાશ્મીરના આઈજીએ કહ્યું, અમને શ્રીનગરના એક ઘરમાં એક આતંકી હોવાની કાલે રાત્રે જાણકારી મળી હતી. ઓપરેશન શરૂ કર્યું અને અથઠામણ દરમિયાન તેને ઠાર કરવામાં આવ્યો છે.એક સંદિગ્ધની ધરપકડ કરવામાં આવી છે. આ એન્કાઉન્ટર સુરક્ષા દળો માટે ખૂબ જ મોટી સફળતા છે.

સૈફુલ્લાએ ઘાટીમાં રિઝ નાયકૂના મૃત્યુ બાદ હિઝબુલાનું સુકાન સંભાળ્યું હતું. ડોક્ટર સૈફુલ્લા ઉર્ફે અબુ મુસૈદ પુલવામાના મલંગપોરાનો રહેવાસી હતો. તે બુરહાન વાનીની 12 આતંકવાદીઓની બનેલી ટીમ પૈકીનો એક હતો.