છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં ઘણા આતંકવાદી સંગઠનો સક્રિય થયા છે, જે એક પછી એક કાશ્મીરી પંડિતોને નિશાન બનાવી રહ્યા છે. આ કારણે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે અને જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે સુરક્ષા દળો પણ ઘણા સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે અને આતંકવાદીઓને ખતમ કરી રહ્યા છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસને શનિવારે મોટી સફળતા મળી જ્યારે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન (HM) નો એક કમાન્ડર અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યો ગયો હતો. એન્કાઉન્ટર બાદ માહિતી આપતાં પોલીસે કહ્યું હતું કે તેમને આતંકવાદી પાસેથી એકે 47 રાઈફલ અને અન્ય ઘણા હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર માર્યો ગયો
જમ્મુ-કાશ્મીર પોલીસના મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતુ કે, 'આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી કમાન્ડર નિસાર ખાંડે સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યો ગયો હતો. તેની પાસેથી એક AK 47 રાઈફલ સહિત હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. હાલ તો ઓપરેશન ચાલુ છે.
સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર થયું હતું
શુક્રવારે સુરક્ષા એજન્સીઓને અનંતનાગના રિશીપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ સૈન્ય અને સીઆરપીએફ, જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે મળીને વિસ્તારને કોર્ડન કરીને સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જે દરમિયાન સુરક્ષા દળો સાથેની અથડામણ દરમિયાન હિઝબુલ મુજાહિદ્દીનનો એક કમાન્ડર માર્યો ગયો હતો.
દરમિયાન ફાયરિંગમાં સેનાના ત્રણ જવાન અને એક નાગરિક ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક શ્રીનગરની 92 બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.