નવી દિલ્હીઃ ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ સાંસદ સત્ર બાદ ત્રણ દિવસ સુધી કાશ્મીર પ્રવાસ પર જશે. અમિત શાહ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઇને કાશ્મીરમાં પાર્ટીના કાર્યક્રમમાં સામેલ થશે. અમિત શાહ કાશ્મીર ઘાટીના અલગ અલગ જિલ્લાના કાર્યકર્તાઓની બેઠક લેશે.તે સદસ્યતા અભિયાન માટે કાર્યકર્તાઓને વધુને વધુ સભ્ય બનાવવા પર પ્રેરિત કરશે. અમિત શાહ કાશ્મીર બાદ આ મહિને વિધાસભા ચૂંટણીની તૈયારીઓ માટે બે દિવસથી જમ્મુ પ્રવાસ પર જશે અને ત્યાં પણ બુથ ઇન્ચાર્જની બેઠકને સંબોધિત કરશે. સૂત્રોના મતે ભાજપનું કેન્દ્રિય નેતૃત્વ કાશ્મીર ઘાટીમાં વધુને વધુ વિધાનસભા બેઠકો જીતવા માટે રણનીતિ બનાવી રહ્યું છે.


નોંધનીય છે કે કાશ્મીર ઘાટીમાં વ્યાપક પ્રમાણમાં સુરક્ષાદળોની તૈનાતીએ મહબૂબા મુફ્તી સહિત ઘાટીના અન્ય નેતાઓની ઉંઘ હરામ કરી દીધી છે. આશંકા છે કે ઘાટીમાં કાંઇક મોટું થવાનું છે. મહબૂબા મુફ્તીએ ગઇકાલે રાત્રે જ  સજ્જાદ લોન અને રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી હતી. મુફ્તીએ કહ્યુ હતું કે, અમે રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી હતી. તેમણે અફવાઓથી દૂર રહેવા લોકોને વિનંતી કરી હતી જેના કારણે ઘાટીમાં ડરનો માહોલ પેદા થયો છે.

જમ્મુ કાશ્મીરના કેરન સેક્ટરમાં ભારતીય સૈન્યએ પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમની ઘૂસણખોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ કરી દીધો છે. આતંકીઓ સાથેની અથડામણમાં ભારતીય સૈન્યએ પાંચથી સાત પાકિસ્તાની સૈન્યના બેટ કમાન્ડો-આતંકીઓને ઠાર માર્યા હતા. ભારતીય સૈન્યએ પાકિસ્તાન સૈન્યને ઠાર મરાયેલા આતંકીઓની લાશ લઇ જવા માટેનો પ્રસ્તાવ મુક્યો છે. જોકે, પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઇ જવાબ આવ્યો નથી.