કાશ્મીરઃ કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજનાથ સિંહે કાશ્મીરના બડગામમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. એટલું જ નહી તેમણે શહીદોના પાર્થિવ દેહને કાંધ આપી હતી. આ દરમિયાન વીર જવાન અમર રહોના નારા લાગતા રહ્યા હતા. શહીદ જવાનોના પાર્થિવ શરીરને દિલ્હી લાવવામાં આવશે. નોંધનીય છે કે કાશ્મીરના પુલવામામાં ગઇકાલે આતંકી હુમલો થયો હતો જેમાં 40થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા જ્યારે 44થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા.




નોંધનીય છે કે તમામ શહીદ જવાનોના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન મોદી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા પાલમ એરપોર્ટ પર જઇ શકે છે. નોંધનીય છે કે રાજનાથ સિંહે ગઇકાલે આતંકી હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ હુમલામાં સામેલ આતંકીઓને છોડવામાં આવશે નહીં. શહીદોની શહાદતનો બદલો લેવામાં આવશે. વડાપ્રધાન મોદીએ આજે એક સભામાં કહ્યું હતું કે, સુરક્ષાદળોને એક્શન લેવાની પૂરી છૂટ આપી દેવામાં આવી છે. આ હુમલામાં સામેલ લોકોને છોડવામાં નહી આવે.