નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામાં આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી આપતા પાડોશી પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, આતંકવાદીઓએ મોટી ભૂલ કરી છે અને તેમને જડબાતોડ જવાબ મળશે.



 

તેમણે કહ્યું, "આ હુમલાને કારણે દેશમાં આક્રોશ છે. લોકોનું લોહી ઉકળી રહ્યુ છે એ હું સમજી શકું છું. આ દેશની અપેક્ષા કંઈક કરી છૂટવાની છે. આ ભાવ સ્વાભાવિક છે. સુરક્ષા દળોને છૂટો દૌર આપી દેવામાં આવ્યો છે. અમને આપણા જવાનોના શૌર્ય, બહાદૂરી પર પૂર્ણ વિશ્વાસ છે. મને પૂરો વિશ્વાસ છે કે દેશ ભક્તિના રંગમાં રંગાયેલા લોકો સાચી જાણકારી આપણી એજન્સીઓને પહોંચાડશે જેનાથી આતંકવાદીને કચડી નાખવા માટે અમારી લડાઈ વધુ તેજ થઈ શકે."





"હું આતંકી સંગઠનો અને તેમના વડાઓને કહેવા માગું છું કે તેઓ મોટી ભૂલ કરી ચુક્યા છે. આ માટે તમારે મોટી કિંમત ચુકવવી પડશે. હું દેશને વિશ્વાસ અપાવું છું કે હુમલા પાછળ જે પણ તાકાત છે, જે પણ ગુનેગાર છે તેમને તેના કર્યાની સજા ચોક્કસ મળશે. જે અમારી ટીકા કરી રહ્યા છે તેમની ભાવનાઓનો પણ હું આદર કરું છું. ટીકા કરવાનો તેમનો પૂરો અધિકાર છે."



મારો તમામ સાથીઓને અનુરોધ છે કે આ સમય ખૂબ જ સંવેદનશીલ અને ભાવુક છે. આ હુમલાનો દેશ એક થઈને મુકાબલો કરી રહ્યો છે. દેશનો એક જ સ્વર છે. આ અવાજ આખા વિશ્વમાં સંભળાવવો જોઈએ કારણ કે આ લડાઈ અમે જીતવા માટે લડી રહ્યા છીએ.