નવી દિલ્હી: કેંદ્રીય ગૃહ મંત્રાલયે લોકડાઉનના કારણે ભારતમાં ફસાયેલા તમામ વિદેશી નાગરિકોના સામાન્ય અને ઈ-વિઝાનો સમય શુક્રવારે ત્રણ મે સુધી વધારી દીધો છે. આ સાથે જ કોઈપણ પાસેથી કોઈ ફી નહી લેવામાં આવે.


એક સરકારી નિવેદન અનુસાર રાજદ્વારી અને સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ સિવાય એ તમામ વિદેશી નાગરિકોના વિઝા ત્રણ મે સુધી માન્ય ગણાવશે, જેમને આ સમયમાં ભારત આવવાનું હતું.

મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એ તમામ વિદેશી નાગરિકોના સામાન્ય અને ઈ-વિઝા 3 મે સુધી વધારવામાં આવ્યા છે જે દુનિયાભરમાં કોરના વાયરસના સંક્રમણને કારણે,ભારત સરકાર દ્વારા મુસાફરી પર રોક લગાવવાના કારણે ભારતમાં ફસાયા છે.

સરકારે કહ્યું કે વિદેશી નાગરિકોની વિઝાનો સમય તેમના તરફથી ઓનલાઈન આવેદન મળ્યા બાદ જ વધારવામાં આવશે. ગૃહ મંત્રાલયે કહ્યું કે વિચાર વિમર્શ કર્યા બાદ દેશમાં ફસાયેલા વિદેશી નાગરિકો માટે કાઉન્સિલર સેવા ઉપલબ્ધ કરાવવાનો સમય પણ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રાલયે કહ્યું કે જો વિદેશી નાગરિકો અહીંથી જવા માંગે છે અને તેમણે સમય માટે અનુરોધ કર્યો છે તો તેમને ત્રણ મે બાદ 14 દિવસ માટે વધારે એટલે કે 17 મે સુધી વિઝા સમયમાં વધારો કરાશે અને તેમની પાસેથી કોઈ દંડ પણ નહી લેવામાં આવે.