નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે કોરોના ગાઇડલાઇન્સમાં સુધારો કરતાં વિદેશથી આવતા લોકોને મંજૂરી આપી છે. સરકારે ઈલેક્ટ્રોનિક, પર્યટન અને મેડિકલ વીઝાની શ્રેણીને બાદ કરતાં તમામ વર્તમાન વીઝા તાત્કાલિક અસરથી રિસ્ટોર કરવાનો ફેંસલો કર્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું, ટૂરિસ્ટ વીઝાને બાદ કરતાં તમામ ઓસીઆઈ, પીઓઈઓ કાર્ડ ધારકો તથા અન્ય વિદેશી નાગરિકોને ભારત આવવાની મંજૂરી આપી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ, તબીબી સારવાર માટે ભારત આવવા ઈચ્છુક વિદેશી નાગરિકો મેડિકલ વીઝા માટે મેડિકલ એટેડેંટ સહિત અરજી કરી શકે છે.  ગૃહ મંત્રાલયના કહેવા મુજબ, કોરોના મહમારીથી ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે ફેબ્રુઆરી 2020થી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનને રોકવા અનેક પગલા લીધા હતા. હવે સરકારે ભારતમાં આવવા કે બહાર જવા ઈચ્છુક વિદેશી નાગરિકો તથા ભારતીય નાગરિકોની વીઝા અને યાત્રા પ્રતિબંધમાં છૂટ આપવાનો નિર્ણય લીધો છે.



જે  અંતર્ગત સરકારે ઈલેક્ટ્રોનિક વીઝા, ટુરિસ્ટ વીઝા અને મેડિકલ વીઝાને બાદ કરતાં તમામ વીઝાને તાત્કાલિક અસરથી રીસ્ટોર કરવાનો ફેંસલો કર્યો છે. જો કોઈના વીઝાની વેલિડિટી પૂરી થઈ ગઈ હશે તો રિન્યૂ માટે અરજી કરી શકશે.

વિદેશથી ભારતમાં આવતાં તમામ લોકોએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ગાઇડલાઇનનું કડક પાલન કરવું પડશે.