Odisha Bus Accident: ઓડિશાના ગંજમ જિલ્લામાં મોડી રાત્રે દિગપહાંડી પાસે બે બસો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આઠ જેટલા મુસાફરો ઘાયલ થયા છે. ગંજમ જિલ્લા મેજિસ્ટ્રેટ દિવ્ય જ્યોતિ પરિદાએ જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે MKCG મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે.






ઓડિશાના ગંજમ જિલ્લામાં બે બસો વચ્ચે જોરદાર અકસ્માત


ઘટના અંગે માહિતી આપતાં તેમણે કહ્યું કે, "બે બસો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં ઘટનાસ્થળે જ 10 લોકોના મોત થયા હતા. જ્યારે ઘાયલોને તાત્કાલિક MKCG મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ દોડી આવી હતી. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.






મૃતકમાં ચાર મહિલા સહિત 2 સગીરનો સમાવેશ


પોલીસે સૂચના મળતા જ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી દીધા હતા. મૃતકમાં એક જ પરિવારના 2 સગીર, ચાર મહિલાઓ અને 6 પુરુષો સામેલ છે. જોકે ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.


 




મૃતકના પરિવારને 3-3 લાખની સહાયની જાહેરાત


દુર્ઘટનાના સમાચાર મળતા જ ઓડિશાના સીએમ નવીન પટનાયકે પણ ગંજમ જિલ્લામાં બસ દુર્ઘટનામાં લોકોના મોત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ મૃતકના નજીકના સંબંધીઓને 3 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે


ઈજાગ્રસ્તોને 30-30 હજાર અપાશે


ઘટનામાં આશરે 8 જેટલાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સરકારે 30-30 હજાર રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.