નવી દિલ્લીઃ કોરોનાના કહેર વચ્ચે દેશનાં લોકોએ કોરોનાની રસી માટે હજુ રાહ જોવી પડશે. ભારત બાયોટેક દ્વારા દેશમાં બનાવવામાં આવતી કોરોનાની સ્વદેશી વેક્સિન કોવેક્સિનને 2021નાં બીજા ક્વાર્ટરમાં એટલે કે જૂન પછી માર્કેટમાં મૂકવામાં આવે તેવી સંભાવના છે. આમ ભારતે સ્વદેશી રસી માટે હજુ બીજા સાત મહિના રાહ જોવી પડશે. કંપની આ વેક્સિન બનાવવા માટે 400 કરોડ રૂપિયાની આસપાસ રોકાણ કરશે.

કંપનીના અધિકારીઓએ કહ્યું હતું કે, રસીના ટ્રાયલ પતે પછી ડ્રગ્સ નિયમનકાર તરફથી જરૂરી મંજૂરી લેવામાં આવશે. કંપની દ્વારા હાલ દેશમાં જુદાજુદા સ્થળે વેક્સિનની ત્રીજા તબક્કાની હ્યુમન ટ્રાયલ પૂરી કરવા આયોજન કરાયું છે. તેના આધારે રસીનું કોમર્શિયલ ઉત્પાદન શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે. કંપની ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) તેમજ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાઈરોલોજી (NIV)ના સહયોગથી આ વેક્સિન બનાવી રહી છે.

કંપનીનાં ઈન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ ડિરેકટર સાઈ પ્રસાદે કહ્યું હતું કે, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની મંજૂરી પછી ટ્રાયલને સફળતા મળે ત્યારબાદ નવેમ્બરથી ડોઝ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે. દેશનાં 14 રાજ્યોમાં લગભગ 30 સ્થળે હોસ્પિટલદીઠ 200 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે.