નવી દિલ્હીઃ 'બાબા કા ઢાબા' કેસમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. ઢાબાના માલિક કાંતા પ્રસાદે ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર અને યુટ્યૂબર ગૌરવ વાસન વિરુદ્ધ ધનની હેરાફેરીની ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે તેમનો વીડિયો બનાવનાર યુટ્યુબર ગૌરવ વાસને છેતરપિંડી કરી છે. ફરિયાદ અનુસાર લોકોએ બાબાને જે લાખો રૂપિયાની આર્થિક મદદ કરી હતી, તેમાં હેરાફેરી થઇ છે.


લોકો આ ઢાબાને ચલાવનારા 80 વર્ષીય કાંતા પ્રસાદની મુફલિસીની કહાણી સાંભળીને તેમના ઢાબા પર ખાવા આવી રહ્યા હતા ઉપરાંત ડોનેશનથી મદદ પણ કરી રહ્યા હતા.

ગૌરવ વાસન યુટ્યુબર છે. ગયા મહિનાની શરૂઆતમાં વાસને પોતાના સોશિયલ મીડિયા પર ‘બાબા કા ઢાબા’ અંગે વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં કાંતા પ્રસાદ અને તેમના પત્ની બાદામી દેવી રડતા રડતા પોતાના દર્દને વર્ણવતા હતા.

ત્યારબાદ બાબા કા ઢાબા પર લોકો તૂટી પડ્યા હતા અને ઢાબાનું વેચાણ આકાશે આંબી ગયું હતું. પોલીસને કરેલી ફરિયાદમાં કાંતા પ્રસાદે જણાવ્યું છે કે વાસને તેમનો એક વીડિયો શૂટ કરીને ઓનલાઈન પોસ્ટ કર્યો અને સોશિયલ મીડિયા પર જનતાને તેમને પૈસા આપવાની અપીલ કરી.


પોતાની ફરિયાદમાં કાંતા પ્રસાદે કહ્યું કે, વીડિયો વાયરલ થયા બાદથી અત્યાર સુધી માત્ર 2 લાખ રૂપિયાના ચેક મળ્યા છે. હવે ઢાબા પર વધુ ગ્રાહક પણ નથી આવી રહ્યા. મોટાભાગના લોકો અહીં સેલ્ફી ખેંચાવવા માટે આવે છે. પહેલા એક દિવસમાં 10 હજાર રૂપિયાની કમાણી થઇ જતી હતી. હવે માંડમાંડ 3થી 5 હજારનો ધંધો થઈ રહ્યો છે. વેચાણ ફરીથી ઓછું થઈ ગયું છે.

કાંતા પ્રસાદે પોતાની ફરિયાદમાં દાવો કર્યો કે, ગૌરવ વાસન તેમની બેન્ક ડિટેલ શૅર કરીને ડોનેશન લઈ રહ્યા છે અને તેની હેરાફેરી કરી રહ્યા છે.


બીજીબાજુ વાસને તમામ આરોપોને નકારી દીધા છે. તેમણે કહ્યું કે બધા જ પૈસા પ્રસાદના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. વાસને કહ્યું કે જ્યારે મેં વીડિયો બનાવ્યો હતો તો મને ખબર નહોતી કે આ આટલો મોટો થઇ જશે. હું નથી ઇચ્છતો કે લોકો બાબાને પરેશાન કરે આથી મેં મારી બેન્ક ડિટેલ્સ આપી દીધી.

વસાને ત્રણ ટ્રાન્ઝેક્શનની રસીદ પણ શૅર કરી. આ ત્રણેય 27 ઓક્ટોબરની હતી. તેમાં બે ચેક 1 લાખ રૂપિયા અને 2 લાખ 33 હજાર રૂપિયાના હતા, જ્યારે ત્રીજું પેમેન્ટ 45 હજાર રૂપિયાનું હતું.