જયપુરઃ કોરોના દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે રાજસ્થાનની ગેહલોત સરકારે રવિવારે લોકડાઉનની નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જે મુજબ 16 નવેમ્બર સુધી સ્કૂલ, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. જ્યારે સ્વિમિંગ પુલ, સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, મનોરંજન પાર્ક 30 નવેમ્બર સુધી બંધ રહેશે.


રાજસ્થાનના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, રવિવારે કોરોના સંક્રમણના 1745 નવા મામલા સામે આવ્યા હતા અને 10 લોકોના મોત થયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,98,747 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 1917 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 15,255 એક્ટિવ કેસ છે, જ્યારે 1,81,575 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.



એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. જેમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળશે. તેમણે કહ્યું કે, જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો અને માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન અવશ્ય કરો.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 46,964 કેસ અને 470 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 81,84,083 પર પહોંચી છે અને કુલ મૃત્યુઆંક 1,22,111 થયો છે. દેશમાં હાલ 5,70,458 એક્ટિવ કેસ છે અને 74,91,513 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે.