નવી દિલ્હી: દક્ષિણ-પૂર્વ એશિયા અને યુરોપના ભાગોમાં કોરોના વાયરસના સંક્રમણના નવા કેસોમાં વધારા વચ્ચે, ભારતના નિષ્ણાતો માને છે કે, પુરતા રસીકરણ અને સંક્રમણ ફેલાયા પછી લોકોમાં આવેલી રોગપ્રતિકારક શક્તિને જોતાં કોરોનાની ગંભીર અસર ભારત પર નહી થાય.


કેટલાક નિષ્ણાતોએ કહ્યું છે કે, સરકારે માસ્ક પહેરવામાં છૂટછાટ આપવાનું વિચારવું જોઈએ કારણ કે, દરરોજ નોંધાયેલા નવા કેસ અને મૃત્યુની સંખ્યામાં કેટલાક સમયથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રવિવારે ભારતમાં કોરોના વાયરસના 1,761 નવા કેસ નોંધાયા હતા, જે લગભગ 688 દિવસમાં સૌથી ઓછા કેસ હતા.


ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)ના વરિષ્ઠ મહામારીના નિષ્ણાત ડૉ. સંજય રાયે જણાવ્યું હતું કે SARS-CoV-2 એ 'RNA' વાયરસ છે અને તેનું સ્વરૂપ બદલાવા માટે બંધાયેલું છે. તેમણે કહ્યું કે, પહેલાંથી જ કોરોના વાયરસમાં 1,000 થી વધુ ફેરફારો થયા છે, અત્યાર સુધી કોરોનાની માત્ર પાંચ પેટર્ન જ સામે આવી છે, જે ચિંતાનું કારણ બની છે.


'સરકાર માસ્ક પહેરવાની છૂટ આપવા પર વિચાર કરી શકે છે'
રાયે કહ્યું, 'ભારતને ગયા વર્ષે કોવિડ-19ની ખૂબ જ વિનાશક બીજી લહેરનો સામનો કરવો પડ્યો હતો. જો કે, હાલમાં આપણી મુખ્ય શક્તિ કુદરતી રીતે ફેલાયોલો કોરોના છે. જે વધુ સારી સુરક્ષા પુરી પાડે છે. વધુમાં, મોટી સંખ્યામાં થયેલું કોરોના રસીકરણ પણ કોરોના સામે લડવામાં મદદરુપ સાબિત થયું છે. તેથી, ભવિષ્યમાં કોઈપણ લહેરની ગંભીર અસર થવાની સંભાવના નથી. તેમણે કહ્યું, 'આ એવો સમય છે જ્યારે ભારત સરકાર ફરજિયાત માસ્ક પહેરવાની છૂટ આપવા પર વિચાર કરી શકે છે.' તેમણે એમ પણ કહ્યું કે, વરિષ્ઠ નાગરિકો અને જેમને કોરોના થવાનું જોખમ વધારે છે તેઓએ સાવચેતી માટે માસ્ક પહેરવાનું ચાલુ રાખવું જોઈએ.


રાયે એ વાત પર ભાર મૂક્યો હતો કે, સરકારે ભવિષ્યમાં કોરના વાયરસના કોઈપણ નવા સ્વરૂપોના ઉદભવ પર દેખરેખ રાખવા માટે જીનોમિક સિક્વન્સિંગ સહિત SARS-CoV-2 પર દેખરેખ ચાલુ રાખવી જોઈએ.


'ભારતમાં કેસ વધવાની ઓછી સંભાવના'
જાહેર આરોગ્ય નિષ્ણાત ડૉ. ચંદ્રકાંત લહરિયાના જણાવ્યા અનુસાર, ભારતમાં વાયરસના નવા સ્વરૂપની સ્થિતિમાં પણ કેસમાં વધારો થવાની શક્યતા ઓછી છે. તેમણે કહ્યું, 'જો આપણે સેરો સર્વે ડેટા, રસીકરણ કવરેજ અને વાયરસના ઓમિક્રોન સ્વરૂપના પ્રસારના પુરાવાનો અભ્યાસ કરીએ, તો તે તાર્કિક છે કે, ભારતમાં કોવિડ -19 મહામારી સમાપ્ત થઈ ગઈ છે. ભારતના સંદર્ભમાં, આગામી કેટલાક મહિનાઓ સુધી એક નવી લહેર અને નવું સ્વરૂપ ફેલાવાની શક્યતા ઘણી ઓછી છે. લહરિયાએ કહ્યું કે, આ એવો સમય છે જ્યારે મોટાભાગના લોકોને ફરજિયાત માસ્ક પહેરવાથી મુક્તિ મળી શકે છે.