જોધપુરઃ હૈદરાબાદમાં ગેંગરેપના આરોપીઓના કરવામાં આવેલા એન્કાઉન્ટર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે એન્કાઉન્ટર દ્વારા આરોપીને મારવાની ઘટનાની આલોચના કરી છે. જોધપુરમાં એક કાર્યક્રમમાં જસ્ટિસ બોબડેએ કહ્યું, ન્યાય બદલાની ભાવનાથી કરવામાં આવે તો મૂળ ચરિત્ર ગુમાવી બેસે છે.


જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની નવી ઈમારતના ઉદ્ધાટન સમારોહમાં જસ્ટિસ બોબડેએ કહ્યું, ન્યાય ક્યારેય ત્વરિત થવો જોઈએ તેમ હું નથી માનતો. હું સમજું છું કે જો ન્યાય બદલાની ભાવનાથી કરવામાં આવે તો તેનું મૂળ સ્વરૂપ ગુમાવી બેસે છે. ન્યાયે ક્યારેય બદલાનું રૂપ ન લેવું જોઈએ.


તેમણે એમ પણ કહ્યું, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને તેની સ્થિતિ અંગે ફરીથી વિચાર કરવો જોઈએ તે વાતમાં કોઈ શંકા નથી. મામલાનો નિકાલ કરવા કેટલો ટાઈમ લાગી રહ્યો છે તે વાત પર વિચારણા થવી જોઈએ.


હૈદરાબાદ દુષ્કર્મના ચારેય આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. પોલીસ આરોપીઓને લઈને તે અંડરબ્રિજ પાસે લઈને પહોંચી હતી જ્યાં ચારેય આરોપીઓએ મહિલા ડોક્ટર પર પેટ્રોલ છાંટ્યું હતું. પૂછપરછ અને ઘટનાને રિક્રિએટ કરતી વખતે આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતાં હતાં તે દરમિયાન પોલીસે ફાયરિંગ કરીને ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કર્યું હતું.

ઉન્નાવ ગેંગરેપ કેસની પીડિતાના મોત પર રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ, કહ્યું- માનવતાને લજવનારી ઘટનાથી આક્રોશમાં અને સ્તબ્ધ છું