હૈદરાબાદઃ હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યા કરનારા ચારેય આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. શુક્રવારે સવારે હૈદરાબાદના નેશનલ હાઇવે 44 પર પોલીસ સાથે થયેલા એન્કાઉન્ટરમાં આરોપીઓ ઠાર મરાયા હતા. પોલીસના એન્કાઉન્ટર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે જ્યારે અનેક લોકો પોલીસની પ્રશંસા કરી રહ્યા છે અને એન્કાઉન્ટરને યોગ્ય ગણાવી રહ્યા છે.


એક રિપોર્ટ અનુસાર, આરોપીઓના મૃતદેહને ઘટનાસ્થળથી હટાવવામાં આવી રહ્યા છે. હૈદરાબાદ ગેંગરેપ અને હત્યાના  આરોપીઓના મૃતદેહને લેવાનો તેમના પરિવારજનોએ ઇનકાર કર્યો છે. જેને  કારણે હવે તેલંગણા પોલીસ તમામ આરોપીઓના અંતિમ સંસ્કાર કરી શકે છે.

આ અગાઉ પોલીસ કમિશનર વીસી સજ્જનરે કહ્યું કે, પોલીસે આરોપીઓને સરેન્ડર માટે કહ્યુ હતું પરંતુ આરોપીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું જેના જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કરવું પડ્યુ અને આ દરમિયાન આરોપી માર્યા ગયા હતા. તેમણે કહ્યુ કે આ કાર્યવાહી દરમિયાન બે પોલીસ જવાન પણ ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.