હૈદરાબાદઃ સતત વરસાદથી તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મોડી રાત્રે અહીં ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જે પછી ઘૂંટણ સુધી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન બે લોકો નાળામાં તણાઈ ગયા હતા, જેની શોધખોળ ચાલી રહી છે. હૈદરાબાદના હવામાન વિભાગના ડિરેક્ટરે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન હૈદરાબાદ સહિત તેલંગાણાના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ઓલ્ડ સિટીની એક રેસ્ટોરન્ટમાં પાણી ઘૂસી ગયું
ભારે વરસાદ પછી હૈદરાબાદમાં કેવી સ્થિતિ છે, તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે વરસાદી પાણી ઓલ્ડ સિટીની એક રેસ્ટોરન્ટમાં પ્રવેશી ગયું હતું. આ વિસ્તારમાં ઘણા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું છે. જને લઇ લોકોની હાલત કફોડી બની છે.
નાળામાં તણાયેલા બે લોકોની શોધ ચાલુ છે - ACP
હૈદરાબાદના વનસ્થાલીપુરમના કેટલાક વિસ્તારોમાં વરસાદ બાદ ભારે પાણી ભરાઈ ગયેલા રસ્તાને પાર કરવા માટે લોકોએ સંઘર્ષ કર્યો હતો. આ વિસ્તારના એસીપી કે. પુરુષોત્તમએ કહ્યું છે કે, "ભારે વરસાદને કારણે નાળામાં બે લોકો તણાઇ ગયા છે. બચાવ ટુકડીઓ તેમની શોધ કરી રહી છે."
આગામી 24 કલાક માટે હવામાનની સ્થિતિ શું રહેશે?
ભારતના હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી 24 કલાક દરમિયાન ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, આંદામાન-નિકોબાર, તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને ગોવા, આંધ્ર પ્રદેશ, રાયલસીમા, તેલંગાણામાં વરસાદ પડી શકે છે.