નવી દિલ્હીઃ હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યુ છે પરંતુ કોઈ પાસે તેનો સચોટ ઈલાજ નથી. પરંતુ મલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોક્વીન તેની સારવારમાં ઉપયોગી છે તેમ સામે આવ્યા બાદ આ દવાની માંગ વધી ગઈ છે. જોકે AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, તેનાથી દરેકની સારવાર થઈ શકતી નથી. આ દવાની કેટલીક આડઅસર પણ છે.


હૃદયના ધબકારા થઈ શકે અનિયમિત

ડૉ. ગુલેરિયાએ કહ્યું કે, કેટલાક લેબ ડેટા બતાવે છે કે હાઇડ્રોક્સીક્લોરોક્વીન કોવિડ-19 પર થોડો પ્રભાવ પાડી શકે છે. પરંતુ આ ડેટા સચોટ નથી. આઈસીએમઆરના નિષ્ણાતોએ જણાવ્યું છે કે કોવિડ-19 રોગીઓના સંપર્કમાં આવતા લોકો અને દર્દીની સારવાર કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે સહાયક બની શકે છે. હાઇડ્રોક્સીક્લોરોક્વીનથી દરેકની સારવાર શક્ય નથી. તેનાથી હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે. આ દવાની કેટલીક આડઅસર પણ છે. જે આમ આદમીને ફાયદો પહોંચાડવાના બદલે નુકસાન વધારે કરી શકે છે.



કોવિડ-19ના દર્દીની સારવારમાં શું છે લાભદાયી

ડૉ. ગુલેરિયાએ કહ્યું ચીન અને ફ્રાંસમાં થયેલા સંશોધનથી ખબર પડી છે કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝિથ્રોમાઇસિનનું સંયોજન કોવિડ-19ના દર્દીઓ માટે લાભકારી સાબિત થઈ શકે છે. આ સંશોધનનો ડેટા પણ સચોટ નથી. આમાં વધારે સંશોધનની જરૂર છે અને હાઇડ્રોક્સીક્લોરોક્વીન અને એઝિથ્રોમાઇસિનના સંયોજનનો ઉપયોગ કરીને કોવિડ-19ના દર્દીની કરાતી સારવાર અસરકારક છે કે નહીં તે જોવાની જરૂર છે. આ માટે હાલ ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે.



પાલતુ પશુઓમાં ફેલાયેલા કોરોનાને લઈ શું કહ્યું ?

પાલતુ પશુઓમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈ ડો. ગુલેરિયાએ જણાવ્યું, કોવિડ-19 પાલતુ પશુઓમાં ફેલાઈ શકે તેવા કોઈ ડેટા નથી. કોવિડ-19નો ફેલાવો મુખ્ય રીતે માનવીથી માનવીમાં થાય છે. પાલતુ પશુથી માનવીમાં તેના ચેપની સંભાવના ખૂબ ઓછી છે.



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8356 પર પહોંચી છે.  ભારતમાં 24 કલાકમાં જ 909 કેસ નોંધાયા છે. કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 273 પર પહોંચી છે. જ્યારે 715 લોકો કોરોનાથી ઠીક થઈ ગયા છે.