મુંબઈ: ઉરી હુમલા પછી ભારત-પાકિસ્તાનની વચ્ચે વધેલા તણાવની વચ્ચે પાકિસ્તાની કલાકારો ઉપર બેન કરવાની માંગ સતત વધી રહી છે. એટલે સુધી કે ‘એ દિલ હૈ મુશ્કેલ’ જેવી ફિલ્મ, હુમલા પહેલા બનીને તૈયાર થઈ ગઈ હતી. જેને લઈને પણ હાલ વિવાદ થઈ રહ્યો છે. આ તમામ વાતો વચ્ચે રણબીર કપૂરના પિતા અને જાણીતા અભિનેતા ઋષિ કપૂરે મોટું નિવેદન આપ્યું છે.

એક ન્યૂઝ પેપરને આપેલા ઈંટરવ્યૂમાં ઋષિ કપૂરે ખુલાસો કર્યો છે કે, મને પણ હાલમાં એક પાકિસ્તાની ફિલ્મમાં કામ કરવાની ઑફર મળી હતી. પરંતુ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં આવેલી ખટાશને જોતા મેં ઑફરને ઠુકરાવી દીધી હતી.

પાકિસ્તાની કલાકારોને બેન કરવાની ચાલી રહેલી માંગ પર ઋષિ કપૂરે જણાવ્યું, ‘પાકિસ્તાની કલાકારોની પાસે તે સમયે ભારત સરકાર તરફથી આપવામાં આવતી ઓફિશિયલ પરમિટ હતી. પરંતુ હાલ પરિસ્થિતિઓ કંઈક અલગ છે. મને દુ:ખ છે કે પાકિસ્તાની કલાકારોએ ઉરી હુમલાની નિંદા કરવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. હાલના સંબંધોને જોતા બન્ને દેશોને ખુબ મોટું નુકસાન પહોંચી રહ્યું છે, મને આશા છે કે બહુ ટૂંકા સમયગાળામાં કોઈને કોઈ રસ્તો બહાર નિકળશે.’

તેમને કહ્યું, ‘મારું માનવું છે કે જો આવા મામલામાં સરકાર કોઈ નિર્ણય લે છે તો આપણે ચોક્કસ તેમનો સાથ આપવો જોઈએ, પરંતુ આવી ફિલ્મોને બેન કરી શકાય નહીં, જે પહેલા બની ચૂકી છે. આપણે એ પણ સમજવું જોઈએ કે ફિલ્મ બનાવવા માટે ઘણા પૈસાનો ઉપયોગ થાય છે. મને પણ એક પાકિસ્તાની ફિલ્મ ઑફર કરવામાં આવી હતી પરંતુ હું તે ફિલ્મ નહીં કરૂ, કારણ કે મારો દેશ તે પસંદ કરશે નહીં. મને ભારતીય હોવાનો ગર્વ છે અને જો પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે તો હું કોઈ પણ રીતે તેનો ભાગ બનવા માંગતો નથી.’