ભારતીય વાયુસેનાના ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ-30 અને મિરાજ-2000 એકબીજા સાથે અથડાવાને કારણે ક્રેશ થઈ ગયા હતા. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. જો કે આ મામલે વધુ માહિતી કોર્ટ ઓફ ઈન્કવાયરીમાં જ બહાર આવશે. જ્યારે આ દુર્ઘટનામાં પાઇલટના શહીદની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.


બીજી તરફ હેલિકોપ્ટર દ્વારા ઘટનાસ્થળે પહોંચેલા એરમેન ઘાયલ પાયલટોને બચાવીને ગ્વાલિયર એરબેઝ પર લાવવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ઘાયલ પાયલોટને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.


ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેના (IAF)ના બે ફાઈટર એરક્રાફ્ટ (સુખોઈ-30 અને મિરાજ-2000) આજે શનિવારે મધ્ય પ્રદેશના મોરેના જિલ્લામાં ક્રેશ થયા હતા. તેમાંથી એક દુર્ઘટનાગ્રસ્ત વિમાન રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં સ્થિત પિંગોરા ગામમાં જઈને પડ્યું હતું. 


ગ્વાલિયર એરબેઝ પરથી ભરી હતી ઉડાન


મોરેનાના પોલીસ અધિક્ષક આશુતોષ બાગરીએ જણાવ્યું હતું કે, વિમાનમાંથી 2 પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતાં પરંતુ ત્રીજો પાયલટ શહીદ થયો. આ દુર્ઘટના પહેલા વાયુસેનાના બંને ફાઈટર જેટ્સે ગ્વાલિયર એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.


ભારતીય વાયુસેનાએ અકસ્માતની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બેસાડી દીધી છે. જણાવવામાં આવ્યું હતું કે, ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન બે પાઈલટ સુખોઈમાં સવાર હતા જ્યારે એક પાઈલટ મિરાજમાં સવાર હતો.


આ ઘટના પર રક્ષા મંત્રી રાજનાથ સિંહની નજર 


વાયુસેના પ્રમુખે રક્ષા મંત્રી રાજનાથ સિંહને બે ફાઈટર જેટ ક્રેશ થવાની જાણકારી આપી હતી. રાજનાથ સમગ્ર વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છે. જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સક્રિયતા દાખવી હતી અને મોરેના જિલ્લા વહીવટીતંત્રને રાહત અને બચાવ માટે જરૂરી સૂચના આપી હતી.


સીએમ શિવરાજે પણ જરૂરી સૂચનાઓ આપી


મુખ્યમંત્રી શિવરાજે ટ્વીટ કરીને કહ્યું હતું કે, મોરેનામાં કોલારસ પાસે વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ-2000 વિમાનના ક્રેશ થવાના સમાચાર અત્યંત દુઃખદ છે. મેં સ્થાનિક વહીવટીતંત્રને ઝડપી બચાવ અને રાહત કાર્યમાં વાયુસેનાને સહકાર આપવા સૂચના આપી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બંને પ્લેનના પાયલોટ સુરક્ષિત રહે.


એરફોર્સ આ મામલે કહ્યું કે...


ભારતીય વાયુસેનાએ આ મામલે એક નિવેદન જાહેર કર્યું હતું. નિવેદનમાં કહ્યું હતું કે, ભારતીય વાયુસેનાના બે ફાઇટર એરક્રાફ્ટ આજે સવારે ગ્વાલિયર નજીક ક્રેશ થયા હતા. વિમાન નિયમિત તાલીમ મિશન પર હતું. જેમાં સામેલ 3 પાઇલોટમાંથી એકે જીવ ગુમાવ્યો હતો. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.