નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ અમેરિકન મેગેઝિનમાં છપાયેલા રિપોર્ટના દાવાને ફગાવી દીધો છે. અમેરિકન મેગેઝિનમાં છપાયેલા એક રિપોર્ટમાં દાવો કરવામા આવ્યો હતો કે, 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાને F-16 ભારત સામે ઉતાર્યું નહોતું. અમેરિકન મેગેઝિન અનુસાર પાકિસ્તાનમાં તામમ એફ-16 વિમાન સુરક્ષિત છે.


ભારતીય વાયુસેનાએ તેના નિવેદનમાં જણાવ્યું કે, ભારતીય સેના પાસે વિશ્વસનીય પુરાવા છે. જે સાબિત કરે છે કે પાકિસ્તાને અમેરિકન ફાઇટર પ્લેન એફ-16નો ઉપયોગ કર્યો હતો. વાયુસેનાની જવાબી કાર્યવાહીમાં મિગ-21થી એફ-16ને તોડી પાડવામાં આવ્યું હોવાના પૂરાવા પણ છે.


એરફોર્સના જણાવ્યા મુજબ, બાલાકોટ એરસ્ટ્રાઇકનો બદલો લેવા પાકિસ્તાન એરફોર્સે ભારતના સૈન્ય ઠેકાણાને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. જોકે, પાકિસ્તાનના પ્રયાસોને ભારતે નિષ્ફળ કરી દીધા હતા.


અમેરિકન મેગેઝિને દાવો કર્યો હતો કે, પાકિસ્તાનના તમામ એફ-16 લડાકુ વિમાન સુરક્ષિત છે. આ વિમાન પાકિસ્તાને અમેરિકા પાસેથી ખરીદ્યા હતા. અમેરિકન મેગેઝિને સુરક્ષા અધિકારીઓના હવાલાથી દાવો કર્યો હતો કે, 27 ફેબ્રુઆરીએ ભારત તરફથી એફ-16 વિમાન તોડી પાડવામાં આવ્યું હોવાનો દાવો ખોટો હોઈ શકે છે.