નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાના 12 દિવસ બાદ 26 ફેબ્રુઆરી સવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પોને તબાહ કરી દીધાં હતાં. વાયુસેનાની આ કાર્યવાહી બાદ ઘણાં ઈન્ટરનેશનલ મીડિયા નુકશાનના દાવા અંગે જાણ કરી છે. આ વચ્ચે રડારના માધ્યમથી સામે આવેલ તસવીરોમાં ચોખ્ખું જોવા મળી રહ્યું છે કે, વાયુસેનાની કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદના ચાર કેમ્પ સંપૂર્ણ રીતે તબાહ કરી નાખ્યા છે. એક અધિકારીએ આ જાણકારી આપી હતી.


ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, એર સ્ટ્રાઈકમાં જૈશ-એ-મોહમ્મદના ચાર કેમ્પ તબાહ થયા. સુત્રો પ્રમાણે, રડારથી લેવામાં આવેલ તસવીરમાં જોવા મળી રહ્યું છે કે, મિરાજ-2000થી કરવામાં આવેલ હુમલામાં ચાર કેમ્પને નુકશાન થયું હતું. પાકિસ્તાને ભારતની કાર્યવાહીની પૃષ્ટિ તો કરી હતી પરંતુ આ વાતનો ઈન્કાર કર્યો છે કે, બાલાકોટમાં કોઈ આતંકી કેમ્પ હતા અને ત્યાં નુકશાન થયું હોય.



અધિકારીએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને કેમ્પને સીલ કેમ કર્યાં? કેમ્પ પાસે પત્રકારોને તાત્કાલિક કેમ જવા ન દીધાં? અમારી પાસે રડારથી લેવામાં આવેલ તસવીરો છે, જેનાથી ખબર પડે છે કે, કેમ્પનો ગેસ્ટ હાઉસની જેમ ઉપયોગ કરવામાં આવતો હતો અને મૌલાના મસૂદ અઝહર (જૈશ ચીફ)નો ભાઈ રહેતો હતો.



એક L આકારના મકાનમાં આતંકી ટ્રેનર રહેતો હતો. એક-બે માળના કેમ્પમાં છાત્રોને રાખવામાં આવતાં હતાં. અન્ય મકાનમાં ટ્રેનિંગ આતંકવાદીઓને રાખવામાં આવતાં હતા. જેને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યું હતું.