નવી દિલ્હીઃ સીબીઆઇના આંતરિક ઝઘડા બાદ હટાવવામાં આવેલા સીબીઆઇ ડિરેક્ટર આલોક વર્માના ઘર બહાર આજે સવારે સાડા સાત વાગ્યે ચાર સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા ચારેય સંદિગ્ધોએ પોતે આઇબી અધિકારીઓ હોવાની વાત કરી હતી. આ તમામ સંદિગ્ધોને આલોક વર્માના પીએસઓએ પકડ્યા હતા. ત્યારબાદ દિલ્હી પોલીસને બોલાવવામાં આવી હતી. આ લોકો પાસેથી મળેલા દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી.
ગૃહમંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાઇ ગયેલા લોકો આઇબીના અધિકારી હતી. આખા મામલામાં ઇન્ફોમેશન બ્યૂરોના સૂત્રોએ કહ્યું કે, આવા અધિકારીઓ રૂટીન ડ્યૂટી પર હોય છે જેને કારણે તેઓ પોતાની સાથે આઇડી કાર્ડ રાખે છે. આ પ્રકારની દેખરેખ કરવાનો અર્થ એ નથી કે અમે કોઇ જાસૂસી મિશન ચલાવી રહ્યા છીએ.
ગૃહમંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, આ પ્રકારના એક યુનિટને આજે સવારે જનપથ પર રોકવામાં આવી હતી જે એ જોઇ રહ્યા હતા કે આખરે આટલી ભીડ કેમ લાગી છે. કારણ હતું કે આ એક સંવેદનશીલ વિસ્તાર છે અને એવામાં આટલા બધા લોકોની ભીડ જોઇ ટીમ ત્યાં રોકાઇ ગઇ હતી. સૂત્રોના મતે ટીમની હાજરીને અલગ રીતે રજૂ કરવામાં આવી જે રીતે આ લોકોના આઇ કાર્ડ અને તમામ જાણકારી રીલિઝ કરવામાં આવી તે ઓફિશિયલ સીક્રેટ એક્ટનો ઉલ્લંઘન છે.
આલોક વર્માનું ઘર 2 જનપથ પર છે અને તેમના ઘરની સામે ત્રણ જાન્યુઆરી લેન છે. ત્યાં સફેદ રંગની ગાડી સિલેરીયોમાં આ લોકો હતા. જેમની પૂછપરછ કરવામાં આવી. તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો. સુરક્ષાકર્મીઓએ ચારેયને પકડી લીધા. પોલીસે કાર જપ્ત કરી લીધી છે.જાણકારો મતે પકડાઇ ગયેલા ચારેય લોકોએ પોતે આઇબીના અધિકારી હોવાનો દાવો કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આ લોકોએ પોતાનું નામ ધીરજ કુમાર, પ્રશાંત કુમાર, વિનીત કુમાર, અજય કુમાર, તેમની પાસેથી ત્રણ મોબાઇલ ફોન અને આઇપેડ જપ્ત કરાયા હતા.
દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઇમાં ટોચના બે અધિકારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા. ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશ્યલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલી દેવાયા હતા. જોઇન્ટ ડિરેક્ટર એમ.નાગેશ્વર રાવને વચગાળાના ડિરેક્ટર બનાવાયા હતા.