નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) થયો હોય અને સામાન્ય લક્ષણ હોય તો દર્દી ઘરે જ ઠીક થઈ રહ્યા છે. જરૂરતના સમયે યોગ્ય સારસંભાળ રાખવા અને યોગ્ય દવા લેવાથી લોકો ઘરે જ સાજા થઈ જાય છે. એવામાં ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)એ કેટલીક દવાઓના નામ કહ્યાં છે જે કોરોનાના દર્દીઓએ ભૂલથી પણ ન લેવી જોઈએ અને જો લેવામાં આવે તો તેમની મુશ્કેલી ઘટવાને બદલે વધી જશે. આવો જાણીએ કઈ કઈ દવા ન લેવી જોઈએ...


ICMRએ હાલમાં જ કહ્યું કે, ઘણી પેઇનકિલર દવાઓ જેમ કે ઈબ્રુપ્રોફેન (Ibuprofen) કોરોનાની ગંભીરતાને વધારે છે. હૃદયના દર્દીઓ માટે હાનિકારક માનવામાં આવતી આ દવાઓ કિડની માટે પણ જોખમકારક છે. લોકોએ NSAID (નોન સ્ટેરોડિકલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ)થી દૂર રહેવું અને માત્ર ડૉક્ટરોની સલાહ પર આ દવાઓ લેવી. જરૂરી હોય તો જ પેરાસિટામોલ લેવી જોઈએ. તે સૌથી સુરક્ષિત પેઇનકિલર્સ દવાઓમાંથી એક છે.


ICMRના જણાવ્યા પ્રમાણે, હૃદયની બીમારી, ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને અન્ય લોકોની તુલનામાં કોરોના થવાનું જોખમ વધારે નથી. જોકે વિશ્વમાંથી અત્યાર સુધીમાં મળેલા અનુભવ પરથી એટલું જાણવા મળ્યું છે કે, આ બીમારીઓથી ઘેરાયેલા લોકોને કોરોના થયા બાદ ગંભીર રીતે બીમાર થવાનું જોખમ વધારે છે. આ કારણે જ આવા લોકોને વધારે ધ્યાન રાખાની સલાહ આપવામાં આવે છે.


ICMRનું કહેવું છે કે, ડાયાબિટીસના દર્દીઓએ યોગ્ય સંભાળ રાખવી જરૂરી છે. આ દર્દીઓ વારંવાર પોતાનું સુગર લેવલ તપાસતા રહેવું જોઈએ અને નિયમિત રીતે દવાઓ લેવી જોઈએ. તેવી જ રીતે હૃદયના દર્દીઓએ પણ સમયસર દવાઓ લેવી જરૂરી છે. ડૉક્ટરની સલાહ વગર દવા બંધ ન કરવી.


ICMRના જણાવ્યા પ્રમાણે, ઉપલબ્ધ જાણકારીની સમીક્ષા બાદ સાયન્ટિસ્ટ અને કાર્ડિયોલોજીસ્ટના જણાવ્યા પ્રમાણે, એવા કોઈ પુરાવા નથી કે બ્લડ પ્રેશરની દવાઓથી કોરોના થવાની સંભાવના અથવા થયા બાદ તેની ગંભીરતા વધે છે.


વિશ્વના તમામ નિષ્ણાતોએ કોરોના વેક્સિન લીધા પહેલા અને બાદમાં પેનકિલર ન લેવાની સલાહ આપી છે. ઈન્ફ્લેમેશનને ઓછું કરતી ઈબુપ્રોફેન (એડવિલ, મોટ્રિન અને બીજી બ્રાન્ડ) જેમ કે કેટલીક પેનકિલર શરીરની રોગપ્રતિકારક શક્તિને ધીમી કરે છે. જ્યારે વેક્સિન લેવાનો હેતુ તેને વધારવાનો હોય છે.