મુંબઇઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)એ સોમવારે આરોપ લગાવ્યો હતો કે કથિત મની લોન્ડ્રરિંગના એક જૂના મામલાની તપાસ સંબંધમાં પાર્ટી પ્રમુખ રાજ ઠાકરેને ઇડીએ રાજકીય બદલો લેવા માટે નોટિસ જાહેર કરી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ આ આરોપનું ખંડન કર્યું હતું કે, જો તેમણે કાંઇ ખોટું નથી કર્યું તો તેમને ડરવાની કોઇ જરૂર નથી. ઇડીએ આઇએલ એન્ડ એફએસ સાથે જોડાયેલા કથિત પેમેન્ટ કેસ સંબંધિત મની લોન્ડ્રરિંગ મામલાની તપાસ સંબંધમાં આ નોટિસ આપી છે. ઠાકરેને 22 ઓગસ્ટના રોજ તપાસ અધિકારી સામે હાજર રહેવાનો આદેશ અપાયો છે.


અધિકારીઓએ સોમવારે આ વાતની જાણકારી આપી હતી. એમએનએસના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજ ઠાકરેએ સનસની ફેલાવી હતી. જેની કેટલાક લોકો પર અસર પડી હતી અને હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અગાઉ આ પ્રકારના પડકારથી બચવા માટે ઇડીએ તેમને નોટિસ આપી છે.

તેમણે કહ્યુ કે, આ રાજકીય બદલો લેવાનો મામલો છે. ઇડીએ આ મામલામા  ઠાકરેની સાથે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીના પુત્ર ઉન્મેશ જોશીને પણ નોટિસ આપી છે. તપાસ એજન્સી આઇએલ એન્ડ એફએસ જૂના લોનથી ઉન્મેશ જોશીની કંપની કોહિનૂર સીટીએનએલના શેરમાં રોકાણ મામલામાં ઠાકરેની સંડોવણીની તપાસ કરી રહી છે. આ કંપની મુંબઇમાં કોહિનૂર સ્ક્વેયર ટાવરનું નિર્માણ કરી રહી છે. દેશપાંડેએ કહ્યુ કે, કોહિનૂર જૂની ડીલ છે. અને ઠાકરે  ઘણા સમય અગાઉ તેમાંથી નીકળી ગયા હતા. મને આશ્વર્ય છે કે કેન્દ્રએ આટલા સમય બાદ તપાસ નોટિસ કેમ મોકલી છે. આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે રાજ ઠાકરેએ જો કાંઇ ખોટુ નથી કર્યું તો તેમણે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.