પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ માધવન રાજીવને જાણકારી આપતાં કહ્યું કે, ચાલુ વર્ષે ચોમાસુ લાંબાગાળા માટે સરેરાશ 100 ટકા રહેવાની આશા છે. ચોમાસુ સામાન્ય રહેશે. પરિણામે ચાલુ વર્ષે ખેડૂતો અને આમ આદમીએ વરસાદને લઈ ચિંતા કરવાની જરૂર નથી.
હવામાન વિભાગ દ્વારા દર વર્ષે લાંબાગાળાના ચોમાસાની આગાહી કરવામાં આવે છે. જેમાં દેશમાં વરસાદનો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે. આ પહેલા એક ખાનગી એજન્સીએ પણ ચાલુ વર્ષે હવામાનની ભવિષ્યવાણી કરી હતી. જેમાં પણ સારા ચોમાસાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગત વર્ષે 96 ટકા વરસાદની આગાહી કરવામાં આવી હતી.
ભારતીય અર્થતંત્રમાં ચોમાસાનો રોલ મહત્વનો છે. દેશમાં થતા કુલ વરસાદનો 70 ટકા હિસ્સો ચોમાસાનો હોય છે. કપાસ, મગફળી, તલ, એરંડા, ચોખા, સોયાબીન જેવા પાક ચોમાસા પર નિર્ભર છે.