નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ સિવાય હવામાન વિભાગ પર પણ લોકોની નજર છે. છેલ્લા બે ત્રણ દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે અને કેટલીક જગ્યાએ વરસાદ અને કરાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી થોડા દિવસો હવામાન ખરાબ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 20 એપ્રિલથી 24 એપ્રિલ સુધી દેશના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમિ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત ઝારખંડ, તેલંગાણા, ઓડિશા, બિહાર, દક્ષિણ કર્ણાટકમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. ઉપરાંત વીજળીના થાંભલા ઉખડી જવા તથા કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાનમાં ભારે વરસાદ અને કરાની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા થોડા દિવસોથી હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ 27 એપ્રિલ સુધી આવી સ્થિતિ રહેવાની સંભાવના છે.