નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે, રિપોર્ટ છે કે, દિલ્હીના તુઘલકાબાદમાં એક જ ગલીમાંથી કોરોનાના 35 નવા કેસો મળી આવતા સરકાર ચિંતામાં મુકાઇ છે. હાલ સરકારે આખા વિસ્તારને સીલ કરી દીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિલ્હીના તુઘલકાબાદ એક્સટેન્શનની ગલી નંબર 26માં ટેસ્ટ કરાવ્યા બાદ વધુ 35 લોકો કોરોના પૉઝિટીવ નીકળ્યા હતા. આ ઘટનાથી સરકાર ચિંતામાં મુકાઇ ગઇ હતી અને આખા વિસ્તારને તાત્કાલિક ધોરણે સીલ કરે દેવામાં આવ્યો હતો. આ પહેલા પણ આ ગલીમાંથી ત્રણ લોકો કોરોના વાયરસથી પૉઝિટીવ થયા હતા.



વળી, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે કેટલીય જગ્યાઓએ શરદી-તાવ-ઉઘરસના લક્ષણોના કારણે પણ કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે. તેમને કહ્યું કે, જે હૉટસ્પૉટ અને કન્ટેન્ટમેન્ટ ઝૉન છે, તેમાં હાલ ઢીલ નહીં આપવામાં આવે, તેમને જણાવ્યુ કે દિલ્હીમાં 77 કન્ટેન્ટમેન્ટ ઝૉન છે.

ખાસ વાત છે કે, દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે, તેને ધ્યાનમાં રાખીને સરકારે લૉકડાઉનમાં કોઇપણ પ્રકારની ઢીલ કે ફેરફાર ના કરવાનો સંકેત આપી દીધા છે. આ માટે સરકાર 27 એપ્રિલે સમીક્ષા બેઠક પણ કરવામાં આવવાની છે, કેમકે હાલ દિલ્હીમાં 11 જિલ્લા હૉટસ્પૉટ છે.