પણજી: દેશમાં કોરોના વાયરસના સંક્રમણની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે દેશનું એક રાજ્ય કોરોના મુક્ત થયું છે. ગોવા દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે કે જ્યા કોરનાના સંક્રમણનો એક પણ દર્દી નથી. ગોવામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સાત લોકો સંક્રમિત થયા હતા, જેમાં 6 લોકો પહેલા જ સ્વસ્થ થયા હતા. 19 એપ્રિલે વધુ એક દર્દી સ્વસ્થ થવાની પુષ્ટી સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમણનો એક પણ દર્દી નથી.

પ્રદેશના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ વાતની જાણકારી આપતા કહ્યું કે રાજ્યમાં અંતિમ કોરોના વાયરસના દર્દી સ્વસ્થ થયા બાદ આ સમય ગોવા માટે રાહતનો છે. તેમણે કહ્યું ડોક્ટરો અને સમગ્ર સહયોગી સ્ટાફની ટીમની મદદથી આ શક્ય બન્યું છે અને તેના માટે તેઓ પ્રશંસાને પાત્ર છે. 3 એપ્રિલ બાદ ગોવામાં કોઈ નવો કેસ નથી આવ્યો.

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 15712 થઈ છે. જ્યારે 2231 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 507 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 27 લોકોના મોત થયા છે.

23 રાજ્યોના 54 જિલ્લા અને કેંદ્રશાસિત પ્રદેશમાં છેલ્લા 14 દિવસમાં કોઈ કેસ નથી નોંધાયા. દેશમાં અત્યાર સુધીમાં 2,231 દર્દીઓ સાજા થયા છે.