ભારતીય હવામાન વિભાગ પ્રમાણે, આગામી 4 દિવસમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 18 જુલાઈ બાદ ઓડિશા અને છત્તીસગઢના કેટલાક હિસ્સામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, આગામી 3-4 દિવસમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગાનામાં છૂટાછવાયા વરસાદની શક્યતા જોવા મળી રહી છે.
અતિશય વરસાદને પગલે પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહેલા પૂર્વોત્તરમાં પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 18મી જુલાઈએ તો જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કોંકણ અને ગોવા, કેરળ, તમિલનાડુ, પુડુચેરી તથા કર્ણાટકના દરિયાઈ પટ્ટીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદ પડવાની આ શક્યતા આગામી 4 દિવસ છે. હવામાન વિભાગે ઉત્તર પૂર્વમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેને લઈને ચિંતાના વાદળો છવાયા છે. કારણ કે, અહીં અગાઉથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે અહીં સર્વત્ર જળબંબાકાર છે અને મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગે અહીં ફરી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.