મુંબઈ: લોકસભા ચૂંટણીમાં જે કૉંગ્રેસ પાર્ટીએ એમએનએસને મહાગઠબંધનમાં લેવાનો વિરોધ કર્યો હતો. હવે એજ કૉંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા એમએનએસને એ કહેતા ગઠબંધનમાં સામેલ કરવા માટે તૈયાર થઈ શકે છે કે મોદી વિરોધી તાકતોને એક સાથે આવવું જોઈએ. સૂત્રોની જાણકારી મુજબ રાજ ઠાકરેએ દિલ્હી પ્રવાસ દરમિયાન સોનિયા ગાંધી સાથે  મુલાકાત કર્યા  બાદ મહારાષ્ટ્રમાં એમએનએસને  કૉંગ્રેસ-એનસીપી ગઠબંધનમાં સામેલ કરવાની અટકળો વહેતી થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાત કૉંગ્રેસ નેતાઓ સાથે ચર્ચા કરી આ વિષય પર સકારાત્મક રીતે વિચાર કરી રહ્યા છે. બધુ જ ઠીક રહેશે તો આ વખતે મહાગઠબંધનમાં એમએનએસની એટ્રી થઈ શકે છે.


શું સોનિયા ગાંધી અને રાજ ઠાકરેની મુલાકાત મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણોને જન્મ આપશે? શું મોદી વિરોધના બહાને રાજ ઠાકરેની પાર્ટી એમએનએસ કૉંગ્રેસ-એનસીપી ગઠબંધનમાં થશે સામેલ? શું મહારાષ્ટ્રમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં એમએનએસનું રેલવે એન્જીન કૉંગ્રેસ-એનસીપીને જીતનો ધક્કો લગાવી શકશે? આ તમામ સવાલોના જવાબો ભવિષ્યમાં મળશે.

એનસીપીએ લોકસભા ચૂંટણીમાં જ રાજ ઠાકરેની પાર્ટીને લીલી ઝંડી આપી દિધી હતી પરંતુ કૉંગ્રેસે એમએનએસની નો એંટ્રી કરી હતી. હવે આ જ કૉંગ્રેસ રાજ્યમાં નબળી પડતા એક મજબૂત વિપક્ષ બનાવવા માટે સમાન વિચારવાળી પાર્ટીઓને એક સાથે લાવવાનો વિચાર કરી રહી છે. કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાતે સંગમનેરમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ સમાન વિચારવાળી પાર્ટીઓને સાથે લઈને ચૂંટણી લડવામાં આવશે.