IMD Rain Prediction: ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વીય ક્ષેત્રના કેટલાક ભાગોને છોડીને દેશમાં જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે. IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ ડિજિટલી આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં જુલાઈમાં સરેરાશ વરસાદ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. જે લાંબા ગાળાની સરેરાશ 28.04 સેમીની (LPA) કરતાં 106 ટકા વધુ હોઈ શકે છે.
તેમણે જણાવ્યું હતું "ઉત્તર-પૂર્વ ભારતના ઘણા ભાગો અને ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ-પૂર્વીય દ્વીપકલ્પના ભારતના કેટલાક ભાગોને બાદ કરતાં, દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે," IMDએ જણાવ્યું કે પશ્ચિમ કિનારા સિવાય ઉત્તર-પશ્ચિમ ભારત અને દક્ષિણ દ્વીપકલ્પના ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, "મધ્ય ભારત, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારત અને પશ્ચિમ કિનારાના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની સંભાવના છે."
IMDએ જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમના કેટલાક ભાગો અને મધ્ય ભારતના આસપાસના વિસ્તારો અને દક્ષિણ-પૂર્વ દ્વીપકલ્પના ભારતના કેટલાક ભાગો સિવાય દેશના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની અપેક્ષા છે.
જુલાઈમાં સારા વરસાદની આગાહી
મહાપાત્રાએ કહ્યું, "અમે જુલાઈમાં ચોમાસા દરમિયાન સારા વરસાદની અપેક્ષા રાખીએ છીએ,"
IMDએ જણાવ્યું કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં જૂન મહિનો 1901 પછીનો સૌથી ગરમ મહિનો હતો, જેમાં સરેરાશ તાપમાન 31.73 ડિગ્રી સેલ્સિયસ હતું. IMD ડેટા અનુસાર, આ પ્રદેશમાં માસિક સરેરાશ મહત્તમ તાપમાન 38.02 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 1.96 ડિગ્રી સેલ્સિયસ વધારે છે.
સરેરાશ લઘુત્તમ તાપમાન 25.44 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 1.35 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. IMDના વડાએ જણાવ્યું હતું કે જૂનમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં સરેરાશ તાપમાન 31.73 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.65 ડિગ્રી સેલ્સિયસ વધારે છે અને 1901 પછી સૌથી વધુ છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 5 દિવસ સુધી અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. જેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. દક્ષિણ ગુજરાત ને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે વરસાદ પડશે.