નવી દિલ્હીઃ ગ્લોબલ વોર્મિંગને કારણે આ વર્ષે ઠંડી ઓછી પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે રહેશે જેના કારણે આ વખતે હાડ થીજવતી ઠંડી નહીં પડે. હવામાન વિભાગે શુક્રવારે આ સીઝન માટે જારી કરેલ પૂર્વાનુમાનમાં કહ્યું કે, આ વખતે દેશમાં ડિસેમ્બરતી ફેબ્રુઆરીની વચ્ચે તાપમાન વધારે રહેશે જેના કારણે પહેલાની તુલનામાં ઠંડી થોડી ઓછી પડી શકે છે.


ઉત્તર ભારતના દૂરના વિસ્તારોને છોડીને મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહશે, જેના કારણે આ સિવ્યાના દેશના અન્ય ભાગમાં શિયાળામાં હાડ થીજવતી ઠંડી જોવા નહીં મળે.

તે સાથે જ કોર કોલ્ડ વેવ ઝોન એટલે કે, સીડબલ્યુઝેડમાં આ ત્રણ મહિનામાં શીતલહેરની ગંભીર સ્થિતિની શક્યતા નકારી છે. આ રીજનમાં પંજાબ, હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, યુપી, એમપી, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્વિમ બંગાળ, ઓડિશા, તેલંગાણા, જમ્મુ-કાશ્મીર અને ગુજરાતના હવામાન ડિવિઝન, લદ્દાખ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, વિદર્ભ અને સૌરાષ્ટ્ર આવે છે.

ઉલ્લેખનીય છે કે, સપ્તાહની શરૂઆતમાં અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ રાજીવને કહ્યું હતું કે, 2019 અત્યાર સુધીનો સૌથી ગરમ શિયાળો રહેવાનો છે. તેમણે કહ્યું હતું કે, ‘અલ નીનોની સ્થિતિ જળવાઈ રહેશે અને તેમાં તાપમાન સામાન્યથી વધુ રહેશે.’