ગુરૂવારે દક્ષિણ પશ્ચિમી ચોમાસાએ મહારાષ્ટ્ર અને ગોવામાં આગમન કરી દીધું છે. આગામી બે દિવસ તે ખૂબ જ ઝડપથી આગળ વધે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગામી 48 કલાક દક્ષિણ અને તટીય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક આંધ્ર પ્રદેશ, તેલંગાણા, વિદર્ભ, મરાઠવાડા, કેરળ, તટીય કર્ણાટક, ગંગીય પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતના કેટલાક ક્ષેત્રમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે જ 14મી જૂન સુધી મુંબઈમાં ભારે વરસાદ લોકો માટે મુસીબતરૂપ બની શકે છે તેમ જણાવ્યું હતું.
ગુરૂવારે તટીય રાજ્ય ગોવામાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના એક અધિકારીએ 12-13 જૂને ગોવામાં ભારે વરસાદી આગાહી કરી છે. ગોવામાં બુધવારથી જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે અને મડગાંવમાં મહત્તમ સાત સેમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું હતું.