ગઈ કાલે ગુરુવારે કંપનીઓએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લીટર 60 પૈસાનો વધારો કર્યો હતો. આ વધારા સાથે છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. 2.74 અને ડિઝલમાં પ્રતિ લીટર રૂ. 2.83નો વધારો થયો છે. નોંધનીય છે કે , કોરોના મહામારીને પગલે ઊભી થયેલી સ્થિતિમાં એક્સાઈઝ ડયુટીમાં વધારા અને માગમાં ઘટાડાને પગલે ઓઈલ કંપનીઓએ માર્ચના મધ્યથી 80 દિવસ કરતાં વધુ સમયથી ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર નહીં કરવાનું વલણ અપનાવ્યું હતું.
શહેરો પ્રમાણે પેટ્રોલ-ડિઝલના ભાવની વાત કરીએ તો નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 74 અને ડિઝલ રૂ. 72.22 થયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 80.98 અને ડિઝલ પ્રતિ લીટર રૂ. 70.92 છે. ચેન્નઈમાં ભાવ પ્રતિ લીટર રૂ. 77.96 અને ડિઝલ પ્રતિ લીટર રૂ. 70.64 થયો છે.
દેશમાં તબક્કાવાર લોકડાઉન હટાવતા અને છૂટછાટ આપતાં પેટ્રોલ-ડિઝલની માગ વધી રહી છે. પરિણામે ઓઈલ કંપનીઓએ ઈંધણના ભાવમાં વધારો કરવાનું વલણ અપનાવ્યું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)એ જણાવ્યું હતું કે એપ્રિલ 2020ની સરખામણીમાં ગયા મહિને બધી જ પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ વધીને લગભગ બમણો થઈ ગયો હતો.
ગુરૂવારે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સનો ભાવ 92 સેન્ટ ઘટીને પ્રતિ બેરલ 40.81 ડોલર રહ્યો હતો. ભારતમાં ઈંધણના દર હવે છેલ્લા સાડા ચાર મહિનાની ટોચે પહોંચ્યા છે. માર્ચ મહિનાથી કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલમાં બે વખત એક્સાઈઝ ડયુટીમાં વધારો કર્યો છે. મોટાભાગની રાજ્ય સરકારોએ પણ વેટ અથવા સેસમાં વધારો કર્યો હતો. આમ, પેટ્રોલ અને ડિઝલના રીટેલ ભાવમાં 70 ટકા હિસ્સો સરકારી ટેક્સનો છે.