નવી દિલ્હીઃજમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમના મંત્રી સતત યુદ્ધની ધમકી આપી રહ્યા છે. જોકે હવે પાકિસ્તાનના તેવર નરમ પડવા લાગ્યા છે. પાકિસ્તાની વિદેશમંત્રીના ભારત સાથે દ્ધિપક્ષીય વાર્તા માટે તૈયાર હોવાના નિવેદન બાદ હવે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનના તેવર પણ નરમ પડ્યા છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, ભારત સાથે યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાન પરમાણુ હથિયારનો ઉપયોગ પહેલા નહી કરે.
કાશ્મીર મામલા પર વૈશ્વિક સમુદાયથી અલગ થયા બાદ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની વૈશ્વિક સમુદાય વિરુદ્ધની પોતાની બેચેની સ્પષ્ટ જોવા મળી રહી છે. તાજેતરમા જ તેમણે ભારત સાથે પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી.
કાશ્મીર પર પાકિસ્તાનને કોઇ સમર્થન ના મળતા ઇમરાને કહ્યુ હતું કે ઇન્ટરનેશનલ સમુદાય માટે એ જરૂરી છે કે તે બિઝનેસ અને વ્યાવસાયિક ફાયદાથી અલગ વિચારે. નોઁધનીય છે કે તાજેતરમાં જ ઇમરાને કહ્યુ હતું કે, પરમાણુ હથિયારોથી સજ્જ ભારત અને પાકિસ્તાન વચ્ચે જો યુદ્ધ થયુ તો તેનું પરિણામ ફક્ત બે દેશો સુધી સિમિત નહી રહે. દુનિયાને તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.