નવી દિલ્હીઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ધરપકડના ત્રણ વર્ષ બાદ આખરે તેને કોન્સુલર એક્સેસ આપવામાં આવ્યા છે. પાકિસ્તાનમા ભારતીય ડિપ્ટી હાઇ કમિશનર ગૌરવ અહલૂવાલિયાએ સોમવારે ઇસ્લામાબાદમાં કુલભૂષણ જાધવ સાથે પ્રથમવાર મુલાકાત કરી હતી. મુલાકાત બાદ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, અમે વિસ્તૃત રિપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ.

વિદેશ મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહ્યું કે, એક વાત સ્પષ્ટ હતી કે કુલભૂષણ જાધવ પર પાકિસ્તાનનું ભારે દબાણ છે. વિદેશ મંત્રાલય અનુસાર, પાકિસ્તાનના ખોટા દાવાને લઇને કુલભૂષણ જાધવ ભારે દબાણમાં છે. જાણકારી અનુસાર, વિદેશ મંત્રાલયે કુલભૂષણ જાધવ સાથે આજે થયેલી વાતચીત અંગે તેમની માતાને જાણ કરી છે.


મંત્રાલયે કહ્યું કે, ભારત જાધવને સ્વદેશ પાછો લાવવા માટે તમામ સંભવ પ્રયાસ કરશે. નોંધનીય છે કે કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ લગભગ તમામ વૈશ્વિક મંચ પર માથુ પીટી રહેલા પાકિસ્તાને કુલભૂષણ જાધવ મામલા પર ઝૂંકવું પડ્યુ હતું. પાકિસ્તાને આજે જાધવને કોન્સુલર એક્સેસ આપી હતી. અગાઉ એવી શરત રાખી હતી કે જાધવ સાથે ભારતીય રાજદૂતની મુલાકાત દરમિયાન એક પાકિસ્તાની અધિકારી હાજર રહેશે. ત્યારે ભારતે પાકિસ્તાનની શરત ઠુકરાવી દીધી હતી.